પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રૂપવંતીને આપ બોલાવી મંગાવો એટલે સઘળી વસ્તુઓ તૈયાર છે.' રાજાએ તરત ઠામ ઠેકાણાં આપી ત્રણેને બોલાવી મંગાવ્યા. તે જોઈ બીરબલે કહ્યું કે, ' મહારાજ ! આંખ છતાં આંધળો એ આપની પહેલી વસ્તુ તે આ ધનના મદથી અંધ બનેલો ધનજી શેઠ, જેણે સારા સારનો વીચાર ન કરતાં અઢળક ધન મેળવ્યું છે તે લક્ષ્મીના મદથી આંખ છતાં આંધળો બન્યો છે. તે તપાસી લો. દયાનો સાગર એ આપની બીજી વસ્તુ તે આ દયારામ શેઠ છે. જેની સાથે મને કદી પણ ઓળખાણ નહોતી છતાં એક શબ્દ ઉપર દશ હજાર રૂપીઆ કાઢી દીધા. એટલુંજ નહીં પણ મને છોડવવા માટે બે હજાર રૂપીઆ લઈ આપની હજુરમાં હાજર થયેલ છે. જેણે પ્રમાણીકપણે વહેવાર ચલાવી કુળને દીપાવે છે. જોઈ લો હાથનો હીરો ત્રીજી વસ્તુ આ રૂપવંતી ગુણકા છે, છતાં એક વચની છે અને પોતાની કબુલાત પ્રમાણે વરતી પૈસા દેનારને આનંદ આપે છે. ખાત્રી હરવી હોય તો તપાસી જુઓ તેની પીઠ પર કેટલા ચાબુકના ફટકા પડેલા છે તે છતાં તે બોલી નહોતી. તેથી ખરેજ આ સ્ત્રી હાથનો હીરોજ છે ! તપાસી લો ચોથી વસ્તુ જે બજારની ખાટ તે આ કુટીલા ગુણકા જેની સાથે મેં ઠરાવ કરીને એક રાતના દશ રૂપીઆ આપેલા હતા અને જ્યારે હું રાતે તેને ઘેર ગયો ત્યારે તે પોતાના આશકો સંગે બેસી રંગ ઉરાડી રહી હતી. મેં જ્યારે બહુ જોરથી દરવાજા ઠોક્યા ત્યારેજ તેણે દરવાજા ઉઘાડ્યા. આપ સ્વાર્થી પ્રેમ બતાવી નાચી કુદીને બહાર નીકળી ગઈ. કે તરત તેના બદમાશો અથવા તે રાંડના ભડવાઓ એકદમ મારા અંગ ઉપર ધસી આવી મારા દશ હજારના દાગીના ઉતારી લઈ તે આ રાંડને આપીને પલાયન થઈ ગયા પછી આ રાંડે મને ચોર ઠેરવીને આ દશાએ પહોંચાડ્યો માટે તે બજારની ખાટ છે. બીરબલની આ વાતની ખાત્રી અક્રવા માટે રાજાએ તે રાંડને ખુબ મેથીપાક જમાડી વાત કબુલ કરાવી. આથી આ સંબંધીની શંકા દુર થઈ. આ જોઈ બીરબલે કહ્યું કે, 'સરકાર ! પાંચમી વસ્તુ આપજ છો. કારણ કે મારો ઇન્સાફ કર્યા વગર એકદમ શુળીએ ચઢાવવાનો હુકમ આપ્યો. માટે જ આપ નરકની વાટ છો. આ પાંચે વસ્તુઓ આપની હજુરમાં હાજર કરી માટે તેની પહોંચ લખી આપો.'

બીરબલની અક્કલ જોઈ તમામ દરબાર છક બની ગઈ. રાજાએ છતી આંખે અંધ બનેલા શેઠને અને તે કુટીલા રાંડ અને તેની રાત કમાઈ ખાનારા દાદાઓને સજા કરી. દયાના સાગરને અને હાથના હીરાને માન આપી વીદાય કીધા. દયારામ શેઠને પોતાની ત્રીજોરીમાંથી દશ હજાર રૂપીઆ ગણી આપી બીરબલને ખુશ કીધો. બીરબલને પહોંચનો પત્ર લખી આપી મહોટા ઠાઠથી રવાના કીધો. બીરબલ દીલ્લી આવી તે પહોંચનો પત્ર શાહના હાથમાં દીધો . અકબરે તે પત્ર વાંચી બીરબલને શાબાસી આપી.

-૦-