પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તરત ઓળખી કાઢી મનમાં બોલી કે, હા એજ મારા મનની મુરાદ બર લાવનાર હૈયાનો હાર બીરબલ જ છે અને તેની આવી અપદશા કરનાર પણ પ્રથમ આવી માનભંગ થઇ પાછો જનાર તે નામદારજ હોવો જોઇએ ? હશે હવે તેને આવી દુખદ દશામાંથી કોઇ પણ પ્રકારે ઉગારવો. એવો વીચાર કરી પોતાની દાસીને કહ્યું કે, એક રૂપીઓનો ટોપલો ભર પહેલો પુરૂષ સામે લટકેલો છે તેની નજદીક જઈ ટોપલો ઠલવી પાછો ભરી તરત ચાલી આવજે. તરત દાસી ગઈ અને સુચવ્યા મુજબ કરી પાછી ઘેર આવી. રૂપીઆનો ટોપલો ઠલવી પાછો ભરી ચાલી ગયેલી દાસીને જોઇ બીરબલ સમજી ગયો કે આટલા રૂપીઆ ખરચતાં છુટકો થતો હોય તો યત્ન આદરો એમ પ્રેમાળ પ્રીયાએ સુચવ્યું છે. બીરબલે સીપાઇઓને કહ્યું કે, મને ઉપર લો, બાદશાહને મારી પાસે બોલાવો. મારે તેમને કંઇ કહેવાનું છે. બીરબલની આ વાત સાંભળી સીપાઈઓએ બીરબલને ઉપર ખેંચી લીધો. અને રાજાને વાકેફ કીધો. તેથી બાદશાહ તરત તેની પાસે આવી પૂછ્યું કે ક્યા કહેના મંગતા હય ? બીરબલે કહ્યું કે, હજુર ? યેહી કહેતા હું કે કુછ નજરાણા લેકે ગરીબ બમનકું છોડ દેના ચાહીયે ઇસમેં ખુદા રાજી હય. બીરબલનું આવું સાંભળી બાદશાહ ચીરડાઈ જઈ બોલ્યો કે, ક્યું બદમાસી નહીં છોડતા ? બસ તેરેતો વોહી હાલ મુનાસબ હય. લેકર જાઓ ઉસકો, ફીર લટકા દો. રાજાનો હુકમ થતાંજ કઠોર અંતકરણવાળા સીપાઇઓએ તરત બીરબલને આંચકો મારી ઉભો કરી પાછો ઉંધે મસ્તકે લટકાવી દીધો. આ જોઇ તે મનોરમા બહુ ખેદ પામી અને ઉંડો નીશાશો મુકી મનમાં બોલી કે 'મારી આબરૂ ઢાંકવા માટે આ વીરરત્ન કેટલી બધી વેદના સહન કરે છે, ધન્ય છે એની જનેતાની કુખને ? ઓ વ્હાલા તારું દુખ મારાથી જોયું જવાતું નથી. લાચાર છું, તું જરાપણ ડરીશ નહીં આ પ્રાણ તારા માટે નીરમાણ થયેલા છે. મારાથી બનશે તેટલી મદદ કરી કાળના મુખમાંથી છોડાવીશ.'આમ લવારો લવતી લવતી પાછી ઘરમાં ગઇ અને હીરા માણેક જેવા અમુલ્ય રત્નોના ટોપલા ભરી દાસીને મોકલી પણ તેથી બાદશાહ મોહ ન પામતાં પોતાના વચનને પાળવા માટે દ્રઢ રહેલો જોઇ તે કામીનીએ આબરૂની દરકાર ન રાખતાં તે સુંદરીએ તરત દહીંની દોણી ભરી દાસીને આપી કહ્યું કે, 'જા, ઝટ જા, અને તે જોઇ શકે તેમ તેની આગળ ઉંધી વાળી ચાલી આવ.' દાસી તરત ગઈ અને બીરબલ જોય તેમ દહીંની દોણી ઊંધી વાળી ચાલી ગઈ. આ છેવટની સમશ્યા થતાં જ બીરબલ મન સાથે વીચાર કરી કહ્યું કે, રમાએ અંધારી રાતની અંધારી વાતને અજવાળામાં લાવવાની રજા આપી ચુકી છે તો પછી આ દુખ શા માટે સહન કરવું જોઇએ? આટલું બોલી બાદશાહને અરજ કરવા સીપાઇને જણાવ્યું. સીપાઇએ તરત બીરબલને ઉપર ખેંચી લઇ રાજા સન્મુખ ઉભા કીધા. રાજાને જોઇ બીરબલ ફીકા ચહેરે બોલ્યો કે, સિરતાજ? કલ મેં રાતકી વખ્ત ઇશ શહેરમેં ગમ્મત દેખનેકે લીયે નીકલા થા. ઉસ વખ્ત એક ઓરતને મુજે ઇસારા કીયા,મેં ઉસકે પીછે ચલા. ઉસને