પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વારતા એકસોવીસમી
-૦:૦-
સોનીની ચાલાકી
-૦:૦-

એક સમે શાહે બીરબલને પુછ્યું કે, 'એ બીરબલ ! કારીગરો માટે લોક વાયકા એવી ચાલે છે કે ગમે તેટલી ચોકસી રાખો તોપણ કારીગરને હાથ થાપ ખાઇ જવાય એ વાત ખરી છે કે ખોટી ?

બીરબલ--સરકાર ! પોત પોતાના હુન્નરમાં સ‌ઉ કોઇ ચાલાક હોય છે.

શાહ--શું દરજી સોની વગેરે દરેક જાતના કારીગરો કસબ ચોર હોય છે ?

બીરબલ--હજુર ! હું એમ નથી કહેતો કે દરેક કસબી ચોર હોય છે. સોની સોનું ચોરવાના કસબ માટે એવી વાતો કહેવાય છે કે બરોબર ધ્યાન દ‌ઇને પાસે બેઠેલા ઘરાકના સોનામાંથી ઘરાકની આંખમાં ધૂળ નાખીને તે સોનું ચોરે છે. જે પોતાની બેન છોકરીનાં દાગીનામાંથી પણ થોડું ઘણું સોનું ચોર્યા વગર બનાવતાં નથી. અને તેવી એક વાત મારા સાંભળવામાં આવેલ છે.

શાહ--તું જે કહે છે તે ખરી વાત હશે. પણ મારે પોતાને સોનીઓની ચતુરાઈનું પારખું જોવું છે.

બીરબલ--ઠીક છે. આપને નજરોનજર બતાવીશ.

થોડા દહાડા વીત્યા બાદ બીરબલે ગામમાંથી ચાલાક સોનીઓમાંથી દશને તેડાવી મંગાવી એ બધાઓને શાહ સામે હુકમ દીધો કે, 'સોની મહાજન ! નામધાર બાદશાહ માટે પચીશ મણ સોનાના વજનનો એક હાથી બનાવવો છે. એકજ જાતનું પચીશ મણ સોનું તમને આપવામાં આવશે. હાથી વીસ દહાડામાં તૈયાર કરી આપવો પડશે. આ હાથીના સોનામાંથી થોડું સોનું તમે ચોરજો. પણ જો સોનું ચોરતાં પકડાયા તો મોતની સજા કરવામાં આવશે અને હાથી બનાવી રહેતાં સોનું નહીં ચોરો તોપણ તમને સજા કરવામાં આવશે. આ કામની મજુરી તમને પુરેપુરી આપવામાં આવશે. આ કામ કરતી વખતે તમારી ઉપર સખત ચોકી પેહેરો પણ રાખવામાં આવશે.

બીરબલનો હુકમ સાંભળતાંજ સોનીઓના હોંસ કોસ ઉડી ગયા. થોડીવાર પછી તેઓના બે મુખી આગેવાનોએ હાથ જોડીને કહ્યું કે, 'ખલકે ખાવીંદ ! હાથી બનાવવાનો હુકમ કરો છો તે માથે ચઢાવીએ છીએ, પણ ચોરીતો અમારાથી બનવાની નથી. જોઇએ તો બાપજી, બીજા કોઇને બોલાવીને એ કામ સોંપો.'

બીરબલ--નહીં, પ્રથમ કહેવા મુજબ એ કામ તમારેજ કરવું જ પડશે.