પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સોનીઓએ બીરબલને બહુ સમજાવ્યો, પણ બીરબલ ન સમજતા સોનીઓને તે કામ કરવાની ફરજ પાડવાથી બીજે દહાડે હથીયારો લઈ કામે આવવાનો વાયદો કરી સોનીઓ ત્યાંથી જતા રહ્યા. એજ દહાડે બધા 'હવે કેમ કરવું ' એ મસલત કરવા એકઠા મળ્યા. શાહે બરાબર જોખાવી કસ કઢાવી આપેલું સોનું, તેમાં વળી ઉપર હથીઆરબંધ શાહના ભરોસાદાર સીપાઇઓની ચોકી. આવી રીતનો મામલો છતાં સોનું કેમ ચોરવું તે માટે તેઓને મ્હોટો વીચાર થ‌ઇ પડ્યો. ઘણી ઘણી યુક્તિઓ કરતાં આખરે એક યુક્તી બધાને પસંદ પડી અને તે પ્રમાણે કરવા બધા એકમત થયા.

બીજે દહાડે સમય થતાં બધા સોનીઓ પોતાને ઉપયોગનાં હથીઆરો લ‌ઇ દરબારી મહેલમાં હાજર થયા. સોનું જોખી અને તેનો કસ કહાડીને તેમને સોંપવામાં આવ્યું. શાહના ખાસ ભરોસાદાર અમલદારોની તેમના ઉપર ચોકી રાખવામાં આવી. અમલદારોને ખાસ હુકમ હતો કે, જો કોઇ પણ સોની સોનું ચોરતાં પકડાય એટલે તેને તરતજ કેદ કરવો. પણ સોનીઓ કાંઇ કાચા ન હતા. તેઓ આવી રીતે સોનું ચોરે શા માટે ? આખો દહાડો બધાએ કામ કીધું. સાંજ પડતાંજ બધા રજા લ‌ઇ પોતાને ઘેર ગયા. પોતાને ઘેર આવીને જમ્યા અને રાતના પોતાને કામે વળગ્યા. દીવસના જેટલો ભાગ બધાએ મળીને સોનાના હાથીને બનાવ્યો હતો તેટલોજ ભાગ પીતળના હાથીનો બધાએ થોડાક કલાકમાં બનાવ્યો. આ પ્રમાણે શાહના મહેલમાં દીવસે જેટલું કામ કરતાં તેટલુંજ કામ રાતના એક મહોટા સોનીના ઘરમાં કરતાં આ પ્રમાણે બંને હાથી ઓગણીસમેં દહાડે બનાવી ત‌ઈયાર કીધા. પીતલના હાથીને પાલીસ કરી ચલકદાર કરવામાં જરાપણ કચાસ રાખી ન હતી. હવે પીતળના હાથીને રાતના ગુપચુપ ઉચકીને જમના નદીમાં એક ઠેકાણે દાટી આવ્યા. બીજે દહાડે સવારના પહોરમાં દરબારમાં હાજર થઇ શાહ અને બીરબલને બોલાવી પેલો સોનાનો હાથી ત‌ઇયાર કરેલો દેખાડ્યો. રાજાએ તરત પોતાના સોનીને બોલાવી કસ કઢાવ્યો તો બરોબર નીકળ્યો. તેમજ વજન કરતાં હાથી તેમજ વધેલું સોનું પણ બરોબર નીકળ્યું. આવી રીતે વજન તથા કસની ખાત્રી કર્યા પછી એક બુધ્ધા સોનીએ કહ્યું કે, 'સરકાર ! હવે આ હાથીને પાલીસ કરવો છે માટે એક ગાડામાં ભરી જમના નદીને કાંઠે લ‌ઇ જવા હુકમ કરો. ત્યાં પાણી અને રેતીથી પાલીસ સારી થશે.'

રાજાએ તે વાત કબુલ કરી અમલદારોની દેખરેખ નીચે સોનાના હાથીને ગાડામાં ઘાલી નદીએ લ‌ઇ જવા કુકમ કીધો. નદી ઉપર આવતા ગાડામાંથી સોનાનો હાથી ઉતારી જ્યાં પીતલનો હાથી દાટ્યો હતો તેને બહાર કાઢી તેને ઠેકાણે સોનાનો હાથી દાટી દીધો. પીતલના હાથીને ખુબ ચલકતો કરી સાંજના ગાડામાં ઘાલી દરબારમાં લાવી રજુ કીધો. તમામ દરબાર એકઠી થ‌ઇ આ બનાવટી હાથીની કારીગરી જોઇ આનંદ પામ્યા. બાદશાહે સોનીઓના મુખીને કહ્યું કે, 'સોની મહાજન ! હવે ખરૂં કહો કે કેટલા સોનાની ચોરી કીધી.'