પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૨૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વાણીઓ--તું જોજે તો ખરી, એ ધોતીઆના ઢોલતો હવે વાગશે.'

આ સાંભળી વાણીઆણી ચુપ થ‌ઇ ગ‌ઇ.

જમાદારે ચોરને મારયો એવી વાત આખા ગામમાં પસર ગ‌ઇ.

આ વાત ચોરના ભાઈની જાણવામાં આવતાંજ તેણે તેજ રાતના જમાદારને મારી નાખવાનો ઠેરાવ કીધો. ચોર જમાદારની પુંઠે પડ્યો અને એક અંધારી ગલીમાં તપાસ કરવાને જતા જમાદારનું માથું ચોરના ભાઈએ ઉરાડી મુક્યું.

રોન ફરતા જમાદાર મરાયો એવી વાત થોડી વારમાં આખા શહેરમાં ફેલાઇ ગ‌ઇ. તેના શબને તેને ઘેર લ‌ઇ ગયા અને સવારના પહોરમાં તેને ઠેકાણે પાડવા લ‌ઇ ગયા. તેના શબને લ‌ઇ ગયા પછી તેના ઘરની અને સગાવહાલાઓની સ્ત્રીઓ એકઠી મળી ઘરની બહાર કુટવા લાગી. તેમને રડતી કુટતી સાંભળી વાણીઅણે વાણીઆને પુછ્યું કે, કોણ મરી ગયું ?

વાણીઓ--અરે એ તો ધોતીઆના ઢોલ વાગે છે ? ગીત તો હવે ગવાશે !

વાણીઆણી બહાર આવીને જોયું તો જમાદારના માર્યા ગયાની વાત તેના સાંભળવામાં આવી.

પોતાના ધણીએ ચોરને ઠાર કીધો પણ જમાદારે એક કીર્તિ મેળવવાની લાલચે પોતાને માથે તે ચોરને મારી નાખવાનું કેટલું બધું જોખમ ઉંચકી લીધું, તે જોઇ પોતાના ધણીની કળાથી તે આનંદ પામી.

બીરબલ--જનાબે આલી ! વણીક કળાથી પોતાના માથા ઉપરનું જોખમ બીજા ઉપર નાખી પોતે છુટો થ‌ઇ ગયો. તેથી વાણીઆ ડાહી માના દીકરા કહેવાય છે એ વાત ખોટી નથી.

બીરબલની આ વાત સાંભળી શાહ ઘણો ખુશી થયો. અને બંને જણ ત્યાંથી છુટા પડ્યા.

-૦-