પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જીવતદાન આપી છોડી મુકું છું.' શાહનાં આવાં વચન સાંભળી બંને જણા નારાજ થઇ ઇરાનની સરહદ છોડી કેટલેક દીવસે દીલ્લી આવી બાદશાહને મળીને શાહનો પત્ર આપી ત્યાં બનેલી સઘળી હકીકતથી વાકેફ કરી ઉભા રહ્યા. શાહનો પત્ર વાંચી બાદશાહે દરબાર ભરી તાનસેન અને બીરબલને સભા ભરી સમક્ષ પુછ્યું કે, તમે શી રીતે જીવતા આવ્યા ? તે સાંભળી તાનસેનને ત્યાં સઘળી બનેલી હકીકત કહીને કહ્યું કે, 'ગરીબ પરવર ! જો બીરબલે બુદ્ધિ રૂપી બલનો ઉપયોગ ન કીધો હોત તો મારો પ્રાણ કદી પણ બચવા પામત નહીં? આ સાંભળી બાદશાહે પોતાની જાતવાળાઓને કહ્યું કે, 'મેં તમોને પ્રથમજ કહેલું કે બીરબલની બુદ્ધિ આગળ તાનસેનના ગુણ ઢંકાઇ જાય. તેનો આ પ્રત્યક્ષ દાખલો જોયો? કહો હવે બીરબલ સરસ કે તાનસેન ? આ બેમાંથી કોણ વધે ? બાદશાહનું આવું વાક્યબાણ સાંભળી બીરબલનું અદેખું મંડળ નીચું ઘાલી પશ્ચાતાપ કરવા લાગ્યું. અને હવે બીરબલની સાથે સ્નેહભાવથી વરતવું એમ તેમના મન સાથે પ્રતિજ્ઞા કરી.

સાર - ઇશ્વરની કૃપા વગર તાત્કાળીક બુદ્ધી પ્રાપ્ત થઇ શકતી નથી ? તે મહા શક્તીવાનની શક્તીથી બીરબલે તાનસેનને બચાવી પોતાના વેરીઓને પોતાના કરી લીધા.


-૦-