પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અચરત થઇ કહ્યું કે આ જગતમાં માણસને પ્રાણથી વધારે વ્હાલી બીજી કોઇ વસ્તુ નથી ? તેમ છતાં તમે બેફીકરા બની માંહોમાંહ પ્રાણ આપવા આટલા અધિરા કેમ બની ગયાછો. એમ કરવાનું કારણ શું છે. બીરબલે ધીરજથી કહ્યું કે એ વાત પૂછશો નહીં અને અમે કહેશું પણ નહીં. આ વાત કરવામાં અને અમારા રાજાને નુકશાન થાય એમ છે. અને આમ કરવામાં અમારી શાહની શી ઉમેદ છે તે કેમ પાર પડી શકે ? તમારી ઉપર જે પત્ર આવ્યો છે તેમાં કાંઇ અગત્યની મતલબ હોવી જોઇએ ? એનો વીચાર આપેજ કરી લેવો, જો અમારો પ્રાણ અમારા ધણીને લેવો હોત તો તેમાં તેમને કાંઈ મુશ્કેલ નહોતું; પણ ખાસ કારણને લીધે જ આપના તરફ માથાં વઢાવવા મોકલ્યા છે. માટે વીલંબ ન કરતાં એક્દમ મારૂં મસ્તક ઉરાડી દો અને પછી તાનસેનનું.' બીરબલના આવા મારમીક શબ્દો સાંભળી શાહે મનમાં વીચાર કરી આનું ખરૂં કારણ શું છે તે જાણવાની ઉત્કંઠાથી આ બંનેને કહ્યું કે,'જ્યાં સુધી તમે તે ખરી વાતથી મને વાકેફ કરશો નહીં ત્યાં સુધી તમારાં માથાં કાપવામાં આવનારજ નથી ? બીરબલે કહ્યું કે. 'ઠીક છે. અમારી ના નથી. પણ અમારી વાત જાણી લીધા પછી તુરત તમારો હુકમ અમલમાં મુકાવજો, અને એ વાત અમારા ખાવીંદના કાને બીલકુલ જવા દેવી નહીં ? શાહે કહ્યું કે, તે મારે કબુલ છે.' બીરબલે ધીરજથી કહ્યું કે, 'અમારા શાહને તમારૂં રાજ લેવાની બહુ ઉમેદ છે, પણ તે ઉમેદ પાર પડી શકતી નથી, કારણ આપ સિંહ સરખા બલવાન છો. એથી લડાઇ કરી આપને જીતી શકાય એમ ન જણાવાથી તે કાયર બની બેઠા હતા. હાલમાં મકેથી બાદશાહને ત્યાં એક પીરજાદા પધારેલા છે, તેમને બે હાથ જોડી પુછ્યું કે, ઇરાનનું રાજ મારા તાબામાં શી રીતે આવે ? અમારા બાદશાહને આશીરવાદ આપી પીરજાદાએ કહ્યું કે, ઇરાનનો શાહ મહા પ્રતાપી છે ! એના તપોબલને લીધે એનું રાજ તમને મળી શકનાર નથી. પણ જો તેમના હાથથી બે માણસોનો વગર અપરાધે ભોગ આપશો તો એની મેળેજ તે શાહ મરણ પામશે. તકશીર વગરના બે જણા મરાય તેમાં જે પહેલો વધ થાય તે શાહની ગાદીનો હકદાર થશે. અને પછી જે વધ થશે તે બીરબલની પદવી પામશે !' તે પીરજાદાના વચનો ઉપર ઇતબાર રાખી બાદશાહે અમને વિશેષ પ્યારના કારણથી આપની તરફ આ યુક્તી રચીને મોકલ્યા છે. આ વાત હમારી છે તે તમને જણાવીને તમારી ખાત્રી કરાવી આપી છે. માટે હવે જરી પણ ઢીલ કરશો નહીં. પહેલાં મારૂં અને પછી તાનસેનનું શીરચ્છેદ કરો, જેથી વહેલું કામ સીદ્ધ થાય ? બીરબલની આ વાણી સાંભળી શાહ હેરત પામીને કહ્યું કે, આમ છે તો પછી શા માટે મારા પગ મારે હાથે કાપવા તત્પર થાઊં ? માટે જેવા આવ્યા તેવા તમારા દેશમાં જાઓ, અને મારો પત્ર તમારા શાહને આપજો. આજ લગી તમારા શાહને વડીલ સમજી તેના હુકમ માથે ચડાવતો હતો, પણ આ એનું આવું બુરૂં કાવતરૂં જાણી મને ધીકાર છુટે છે. અને તે ધીકાર ભરેલી લાગણીથી જ એના હાથના લખેલા પત્રનો અમલ ન કરતાં તમને