પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


વારતા નવમી
-૦:૦-
મનની મનમાં રહી.
-૦:૦-

અકબરે હીંદુ અને મુસલમાનોના ધર્મ પુસ્તકોનો સારો અભ્યાસ કીધો હતો, હીંદુ ધર્મનો સાગર કે જે મહાભારતના નામથી જગપ્રસિદ્ધ છે તે મહાભારતના શાહના વાંચવામાં આવ્યું તેથી તેના મનમાં બહુ અભીલાષા ઉત્પન્ન થવાથી ફરી ફરીને કૌરવ પાંડવ યુદ્ધની વાતો વાંચી વીચારી જોયું કે, 'જે પ્રમાણે પાંડવોનાં સ્વ પરાક્રમનું આ ભારથ રચાયું છે તે પ્રમાણે મારા પરાક્રમ અને પ્રતાપનું પુસ્તક કે જેનું નામ 'બાદશાહી ભારથ'નું નામ રાખવામાં આવે કે નહીં ? તે જાણવા અને જોવાની તેના મનમાં નીરંતર રટણા લાગી રહી. બીરબલને એકાંતમાં બોલાવી પોતાના મનનો હેતુ સમજાવી બાદશાહે કહ્યું કે, ' આજ દીન સુધી જે જે નામાંકિત નરો થઇ ગયા છે તેઓની અચળ કીરતીના લેખ વાંચવામાં આવે છે. તે મુજબ મારૂં ભારથ રચાવવાની ઉમેદ રાખું છું માટે તે વીશે ખાસ તજવીજ કરવા તમને ભલામણ કરૂં છું. અને તે બનાવવા માટેના જે જે સાધનો જોઇએ તે તે પુરા પાડવા તત્પર છું.' તે સાંભળી બીરબલના સ્વધર્માભીમાનના અંકુરો અંતરમાં સ્ફુરી આવવાથી મન સાથે વીચાર કરવા લાગ્યો કે જો અકબર ચરીત્ર બનાવવાનું કહ્યું હોત તો ઠીક થાત પણ ભારથ રચવાનું કહે છે. એમ કેમ બની શકે ? જો ના કહુંછું તો માર્યો જઉં છું. યુક્તી વગર ધનન અને મનન આશા સફળ થનાર નથી. આવેલો વખત જવા દેવો એ મુરખનું કામ છે. ગયો અવસર પાછો આવતો નથી. જે કામ કીધું તે આપણું. આજનું કામ કાલ પર મુલતવી રાખવાથી પસ્તાવું પડે છે. એનેજ મોઢે ના કહેવરાવું તોજ મારૂં નામ બીરબલ ખરૂં.' આવો વીચાર કરી યુક્તીથી બાદશાહને કહ્યું કે, 'જહાંપનાહ ! અકબરી ભારથ બનાવવામાં કંઇ અડચણ નથી. જેમ ભારથમાં એક લાખ પચીશ હજાર શ્લોક છે તેમજ આપના ભારથના પણ રચાવા જોઇએ. માટે દર શ્લોક દીઠ એક રૂપીઓ ફક્ત રચામણીનો પડશે, અને તે કુલે શ્લોક લખવાનો ખરચ સવા લાખ રૂપીઆ થશે તેજ આપને વીચારવા જેવું છે ? જો તેનો બંદોબસ્ત થશે તો ભારથ બનાવવાને જરા પણ વાર નહીં લાગે. પછી જેવો આપનો હુકમ.' બીરબલનો આ ઉત્તર સાંભળી બાદશાહે કહ્યું કે, 'હીંદના બાદશાહને ખજાને શી ખોટ છે? સવા લાખ લઇ ભારથ રચવાને શરૂ કરો, પણ તે રચાઇ ક્યારે તૈયાર થશે ?' બીરબલે કહ્યું કે, 'છ માસમાં થશે.' આ સાંભળી બાદશાહ ઘણો આનંદમયી બની જઇને તરત ખજાનચીને બોલાવી સવા લાખ રૂપીઆ બીરબલને ઘેર મોકલવાનો હુકમ આપ્યો. સવા લાખ રૂપીઆ બીરબલને મલતાંજ, બીરબલે તે રૂપીઆનો સારો ઉપયોગ કરી પોતાના જન્માંતર માટે