પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સુખડી બાંધી. હવે ભારથનું કામ બાકી રહ્યું, તે માટે અનેક યુક્તી શોધતાં શોધતાં છ માસની મુદ્દત પણ પુરી થવા આવી, એટલામાં બાદશાહે પુછ્યું કે, 'કેમ બીરબલ ? ભારથ પુરૂં કરી આપવાની અવધી આજે પુરી થાય છે, માટે ભારથ તઇયાર થયું છે?' બીરબલે છાતી ઠોકીને કહ્યું કે, 'જહાંપનાહ ? થોડુંક બાકી છે, એ કંઈ જેવું તેવું કામ નથી. એતો અકબરી ભારથ બનાવવાનું છે ?'

પ્રીય વાંચક ! બીરબલે હજી સુધી ભારથની એક લીટી પણ તાણી નથી છતાં કેવી શમય સુચકતા વાપરી બાદશાહને સમજાવી દઈ લાખો રૂપીઆ મેળવી સન્માર્ગે વાપરી નામના મેળવી ?

વાંચક બીરબલે ઘેર જઇ કોરા કાગળોનાં મોટા પુસ્તકના કદ જેટલા પાના કાપી આગળ પાછળ લાકડીની પાટલીઓ રાખી સુંદર રેશમી વસ્ત્રમાં તેને મજબુત બાંધી ઉપર રેશમી ગુંઠેલી પાટી વીંટી તેને બગલમાં મારી બાદશાહની પાશે આવ્યો. બીરબલની બગલ ઉપર બાદશાહની નજર પડતાં હર્ષ સાથે બાદશાહે પુછ્યું કે. કેમ બીરબલ ! ભારથ પુરૂં થયું ?' બીરબલે કહ્યું કે, 'હાજી જનાબ થયું !' એમ કહી બાંધેલું પુસ્તક છોડવા માંડ્યું, તે જોઇ શાહ આનંદીત ચહેરે જોવા આતુર બન્યો, તે જોઇ બીરબલે કહ્યું કે,'નામદાર ! ભારથ પુરૂં થઇ ગયું છે પણ જરા થોડી મતલબ બાકી રહી છે તેનો ખુલાસો હુરમ સાહેબ પાસે ગયા વગર થનાર નથી માટે જો આપનો હુકમ હોય તો હું જઇને પુછી આવીને પછી તમારૂં ભારથ વાંચું.' બાદશાહે ભારથ પુરૂં થયું છે કે નહીં તેની ખાત્રી કરીને ખુસીની સાથે બીરબલને કહ્યું કે, 'જાઓ જે પુછવું તે પુછી આવો, અને ત્યાંથી આવવા પછી તમે મારા ભારથના સ્વરૂપનું દીર્ઘ દર્શન કરાવજો.' છોડેલા પુસ્તકને ફરીથી બાંધી ઉલ્લાસની સાથે જનાનખાનામાં જઈ હુરમ સાહેબની આગળ આ ભારથ મુકી કહ્યું કે, 'આ અકબર ભારથ છે, તે સરકારને બતાવ્યું છે, પણ તેમાં કાંઈક અધુરી રહી ગયેલી મતલબ પુરી કરવા માટે આપ સમક્ષ હજુરના મંજુરી મેળવવા આવ્યો છું. જો આપનો હુકમ હોય અને મારા બોલવા પર આપ માઠું ન લગાડો તો તે મતલબને માટે આપને અરજ કરૂં.' હુરમ સાહેબે પ્રસન્નતાથી કહ્યું કે ખુશીની સાથે પુછ, મને તારા બોલવાથી જરા પણ રીસ ચઢનાર નથી ?' હુરમનું આવું બોલવું સાંભળી ચાલાક બીરબલે હાથ જોડી વિનંતી કરી કે, 'નામદાર ! જેવી રીતે ભારથમાં પાંડવોની સ્ત્રી દ્રૌપદીના પાંચ ભરથાર હતા, તેજ પ્રમાણે આપના પાંચ ભરથારના નામ શું શું છે ? તે ફક્ત જાણવાની જરૂર છે ! બાકી તો બધી રીતે આ પુસ્તક ભારથના સમાન થઈ ચુક્યું છે.' પાંચ ભરથારનું નામ સાંભળતાંજ હુરમના ગુસ્સાની હદ રહી નહી પરંતુ તે વીવેકી અને મર્યાદાશીલ હોવાથી પોતાના ગુસ્સાને દબાવી મોટા માણસનો ધર્મ શું છે તે સમજી જઇ બોલ્યા, પછી અબોલા ન થતાં વચન પાળવું એટલે હવે ઉપાય શો ? માટે બીરબલને કહ્યું કે, 'બીરબલ ! તમને અને સરકારને આવી મજાક કરવાની બુદ્ધિ કોણે