પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આપી? કે આવું ભારથ બનાવ્યું ! શું આ પુસ્તકમાં પુળો મુકવા છે?' એટલા શબ્દો ઉચ્ચારીને તરત દાસીને બોલાવીને કહ્યું કે, 'આ પુસ્તકને લઇ જઇને સળગતી ભઠ્ઠીમાં નાંખી તરત બાળી દે, તેમ જ તે બળી ખાખ થઇ જાય ત્યાં સુધી તું ત્યાંજ ઉભી રહેજે.' આ હુકમ થતાંજ દાસી તે પુસ્તકને લઇ જઇ બાળી નાંખી હુરમને વીદીત કીધું. તે સાંભળી બીરબલ મનમાં બહુ રાજી થયો. પણ અંતરનો ભાવ ન બતાવતાં ઉદાસી બાવા જેવો બની કંઈ પણ કહ્યા વગર ગુપચુપ હુરમનો આવાસ છોડી નીશાશા નાખતો અને અફસોસ કરતો બાદશાહ પાસે આવ્યો. બીરબલનો ઉતરી ગયેલો ચ્‍હેરો જોઇ શાહે અચરતથી પુછ્યું કે, 'કેમ બીરબલ ! શું થયું ? આમ આવી રીતે ઉદાસ બની જવાનું કારણ શું? બીરબલે બનેલી બધી હકીકત કહી સંભળાવી બોલ્યો કે, 'એમાં મારો શો ઈલાજ ? કેમકે ખરી બીના પૂછ્યા વગર છુટકોજ નહોતો ? અને પુછતાં આ પરીણામ આવ્યું. એમાં મારો શો અપરાધ? જો બરાબર ભારથ બનાવી એ તો આ નવું અને પ્રાચીન ભારથ સમાનજ તમામ હક ધરાવે છે કે નહીં ? તે ખાસ કરીને તપાસવાની જરૂર છે ? જેટલી વાતની ખામી તેટલીજ પુસ્તકમાં ખામીજ ગણાય, માટે મેં પુછ્યું, પણ હુરમ સાહેબને તો આપ વગર અન્ય પુરૂષ ભાઇ બાપ સમાન હોવાથી મારો પ્રશ્ન સાંભળતાં તે બહુજ કોપાયમાન થઇને, વખત અને પૈસાનો ભોગ આપી બનાવેલું ભારથ એક ક્ષણમાં બાળી નંખાવ્યું. હવે કરવું શું ? ધોબીનો કુત્રો નહીં ઘાટનો કે વાટનો એવી મારી દશા થઈ છે. જો મારી મતલબ પુરી કરવામાં આવે તો ફરીને ભારથ બનાવતાં વાર લાગવાની નથી.' બીરબલની નીરાશા જોઈ તરત અકબરે કહ્યું કે, 'બસ બહુ થયું, ભારથ બનાવવા જતાં ઘરમાં ભારથ જાગશે એનું કેમ ? માટે જવા દે.' બાદશાહની આવી ઈચ્છા જોઇ તરત બીરબલે કહ્યું કે, 'જેવી આપની મરજી.' એટલું કહી રજા માગી પોતાને ઘેર ગયો.

સાર - ગમે તેવી જાતનો માણસ હોય, અને ગમે તેટલા ધનની અને ઓદ્ધાની તેને પ્રાપ્તી થઇ હોય તો પણ પોતાના ધર્મનું અભીમાન મુકવું નહીં. અને બીરબલની પેઠે સાવધાન બની કાર્ય કરાવનારને રીઝવી પોતાનું કાર્ય કરી લેવું.


-૦-