પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કમઅસલ જાત હોવા છતાં મારી સાથે ઘાઢો પ્રેમ બાંધી રહી હતી, અને જરા પણ મારાથી ભીનભાવ રાખતી ન્હોતી. જ્યારે મને શુળીએ લઇ જતા તેના જોવામાં આવ્યો, તે જોતાજ તે દુખ રુપી સાગરમાં ડુબી માછલીના પેઠે તડફવા લાગી. અને આંખોમાંથી આંસુઓ પાડી બોલી કે, હવે મારી શી ગતી થશે ? હું કોને આશરે રહીશ ? એમ રૂદન કરતી વીચાર કરવા લાગી કે, ગમે તેમ થાઓ પણ મારા વ્હાલાનો પ્રાણ બચાવવો. મનુષ યત્ન પ્રૌઢ છે, ઇશ્વર કરશે તો કાર્ય સીધધ્ધ થશે. એમ ધારી આપની પાસે આવી, આપને રીઝવી મારો પ્રાણ બચાવ્યો છે. તેથી આ કમઅસલ છતાં કમઅસલ નહીં પણ અસલ. માટે આપની આ બીજી વસ્તુ કમઅસલનો અસલ લો. હવે આપની આગળ જે કોટવાળ બેઠો છે તેજ બજારનો કુતરો ?' આ સાંભળી કોટવાલે કહ્યું કે, 'મને બજારનો કુતરો શા કારણથી કહો છો?' તેના જવાબમાં બીરબલે કહ્યું કે, 'એતો કુતરાનો જાતી સ્વભાવ છે કે જ્યાં સુધી તેને બટકુ રોટલાનો ટુકડો ખાવાને મળે ત્યાં સુધી ધણીની તાબેદારી કીંવા મરજી જાળવી અનેક પ્રકારનાં લાડ લડે, એજ પ્રકારના તમે પણ છો. જુઓ, જે વખતે મારી બાયડીએ તમોને રાજાના કુંવરનું માથું લાવી પેટીમાં મુકવા સંબંધી સઘળી હકીકત કહી, પણ તેની તમે કંઇ પણ ખાત્રી કીધા વગર મને પકડી, મરાય તેટલો મારી, આબરૂ લુટવા બાકી રાખી નહીં. અરે એટલુંજ નહીં, પણ હું કોણ છું ? મારી રીતભાત કેવી છે ! તેની પણ તમે પરીક્ષા ન કરતાં બેશરમ બની ગયા. સાથે બેસી ખાધું પીધું, રંગ રમ્યાં. મોજો મારી તેનીજ ગરદન કાપવા સજ થયો. ખાય તેનુંજ ખોદે. જે ઘેરાયેલા વાદળમાંથી મને બચાવવો જોઇતો હતો, તેમ ન કરતાં નીમકહરામ બની મારી ઉપર જુલમ ગુજારી રાજાને બહાદુરી બતાવી ઇનામ મેળવવા માટે આવો અધમ બન્યો માટે તું બજારનો કુતરો ખરેખર થઇ ચુક્યો.' મહારાજ આ આપની ત્રીજી વસ્તુ લો, હવે ચોથી વસ્તુ જે ગાદીનો ગધ્ધો રહ્યો તે આપનેજ લાગુ પડે છે !' રાજાએ કહ્યું કે, 'તે શી રીતે !' બીરબલે કહ્યું કે, 'આપે મારા અપરાધની કાંઇ પણ તપાસ કીધા વગર એક હલકા અને નીચ માણસના કહેવા ઉપર ઈતબાર રાખી મારો નાશ કરવાનો હુકમ આપ્યો માટે, એ ચોથી ચીજ કોની પ્રત્યે લાગુ પડે છે તે આપજ વીચારી જુઓ. હવે આપને પહોંચેલી ચારે વસ્તુની પહોંચ, મારા શાહની ખાત્રી કરવા માટે લખી આપો.' બીરબલની ચતુરાઇ, તેની વીશાળ બુદ્ધીની ખુબી જોઈ રાજા અત્યન્ત પ્રસન્ન થઇ કીંમતી પોશાકો અને અમુલ્ય આભુષણોની ભેટ આપી, અને ચારે વસ્તુ મળ્યા બદલ પહોંચ લખી આપી બીરબલને મોટા માનની સાથે વરાવ્યો.

થોડાક દીવસ વીત્યા પછી બીરબલ બંને પ્રેમદાને લઇ દીલ્લીમાં આવી બાદશાહને સલામ કરી પહોંચનો પત્ર આપ્યો. તે વાંચી શાહે ઘણીજ બીરબલની તારીફ કરી અનહદ માન આપી પ્રથમ કરતાં બીરબલને વધારે ચાહવા લાગ્યો.