પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રહેજો.' એમ કહીને ખીમચંદને દોટ કાઢવા મોકલ્યો. અને પટાવાળાને શીખવી રાખ્યું કે, 'ખીમચંદ જ્યારે દોડતો આવે ત્યારે હું તમને કહું કે ખીમચંદનું માથુ તરવારથી કાપી નાખો એટલે તમે તમારી તરવાર ઉઘાડી તેના માથા પર ધરી રાખજો.

આ બંને સ્ત્રીઓનો ઇન્સાફ બીરબલ કેવી રીતે કરે છે તેની રાહ જોતી તમામ દરબાર બેઠી હતી. જેવો ખીમચંદ દોડતો આવતો હતો, તેવી જોવાને ઉભી થ‌ઇ, જેવો ખીમચંદ દરબાર નજદીક આવ્યો એટલે બીરબલે સીપાઇને કહ્યું કે, ખીમચંદનું માથું કાપી નાખો. એટલે આ બંને સ્ત્રીઓનો કજીઓ મટી જશે.' તે સાંભળતાંજ સીપાઇએ તરવાર ઉઘાડીને જેવો ખીમચંદને મારવા જતો હતો, એટલામાં જસોદાએ ઝડપથી જ‌ઇને સીપાઇનો હાથ પકડી, બીરબલને કહેવા લાગી કે, 'મને આપનો ઇન્સાફ જોઇતો નથી. આપ ખુશીની સાથે ખીમચંદને રાધાને સોંપી દો. પણ તેને મારશો નહીં.' પછી બીરબલે ખીમચંદને દોડતાં જે પરસેવો વળ્યો હતો તે પરસેવો પ્યાલીમાં સીપાઇ પાસે ઉતરાવી લીધો, ને સુંઘી જોયો તો તેમાંથી ગંધકની વાસ આવવા લાગી. આ દાખલાઓ ઉપરથી બીરબલની ખાત્રી થ‌ઇ કે જસોદા ખરી છે અને રાધા જુઠી છે તેથી જસોદાનેજ ખીમચંદની ખરી બાયડી ઠરાવી અને રાધાને ધમકી આપી કાઢી મુકી. બીરબલનો આ ઇન્સાફ જોઇ તમામ દરબાર આશ્ચર્ય પામી ગઈ.


-૦-