પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નરસિંહ મેહેતો

પદ ૧૮ મું

મોહ્યા મોહ્યા મુનિવર રાયા રે; ગોરી તારે તાજુડે રે,
રૂપ સ્વરૂપ કળ્યું નવ જાયે, મેં તો જાણી છે કોઈ દીસે છે ઈશ્વરી માયા રે; ગોરી.
રૂમઝુમ રૂમઝુમ નેપૂર બાજે, પાવલે એ ચીર અતિ ચાંપે રે;
ઘુંઘરમાં મુખ એણીપેર શોભે, મોટા મુનીજનનાં મન કાંપેરે; ગોરી.
ગોરું શું વદન ને ગળસ્થળ ઝળકે, ઉપર દામણી લળકેરે;
સાળુડાની કોર એણીપેર શોભે જાણે ગગનમાં વીજળી ચળકેરે; ગોરી
વશીકરણ વેણ તમે ક્યાંરે ગુંથાવી, સુંદરી શણગટ વાળી રે;
આ ચોળી તમે ક્યાં શીવડાવી, જેને મોહી છે વ્રજની નારી રે ? ગોરી.
ચંચળ દૃષ્ટે ચોદેશ ન્યાળે, માંહે મદનનો ચાળો રે;
નરસૈંયાચો સ્વામી જોવા સરિખડો, કોઈ એ સુંદરીનું વદન નિહાળોરે. ગોરી.

પદ ૧૯ મું

હરિ આવ્યા છે નારીના વેશે રે, એને કોઈ જુવો રે,
શિવ બ્રહ્મા જેનું ધ્યાન ધરે છે, તેને જોઈ જોઈ દુઃખડાં ખુવો રે. એને. ટેક.
બંધવ એનો તતક્ષણ ઊઠ્યો, આવ્યો મંદિર જાણી રે,
રતનબાઈ ઘણું વ્યાકુળ ફરે છે, તમો લ્યોને, મેહેતા જળપાણી રે. એને.
પરમેશ્વરે પુત્રી કરી જાણી, સભામધ્ય આણી રે,
અંતર્ધાન થયા અલબેલો, વાત સહુકોએ જાણી રે. એને.
જેજેકાર થયો જગમાંહી, હરખ વાધ્યો હઇએરે.
નરસૈંયાચો સ્વામી ભલે મળીયો, એનાચરણકમળમાં લઇએરે. એને.

પદ ૨૦ મું

આ શો ચતુરાના ચિત્તનો ચાળો રે, એને કોઈ ન્યાળોરે. ટેક.
બ્રહ્માએ નથી ઘડી ભામિની, એ તો આપે બનીને આવીરે,
ત્રણ લોકનું તેજ તારુણી, એ તો છબિ છબિલે બનાવીરે. એને.
ઘડ્યું ઘરેણું એને રે હાથે, હાથે ભરી છે ચોળી રે;
સાળુડે ભાત નારી કુંજરની, કસુંબાના રંગમાં બોળી રે. એને.
વાસ પુર્યો એણે વૃન્દાવન માં, ગોવરધન થકી આવેરે;
એ નારીની જાત કોઈ જાણે, તેનો ફેરો ફાવે રે. એને.
કહીએ છીએ પણ કહ્યું ન માને, એ નારી નહીં ગીધારી રે,
બ્રહ્મા ઈન્દ્ર શેષ શારદા એના ચરણ તણા અધિકારી રે. એને.