પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
શૃંગાર

જોબન મેં તો જાળવ્યુંરે હો, જાણ્યું મારા ભૂધરને ભેટ કરેશ;
જો હરિ નહિ મળેરે હો, બાઈ મારા પાપી પ્રાણ તજેશ.
જ્યારે એ શું પ્રીત કરીરે હો, મનડામાં હતીરે મોટી આશ;
નરસૈંયાચો સ્વામિ મળ્યોરે હો, વહાલે મારે ફરી રમાડ્યારે રાસ.

પદ ૨૭ મું,–રાગ સોહણી.

મીઠડા બોલા નાથ રે, આવો મારા મીઠડા બોલા નાથ રે;
એક ઘડી એકાંતે આવો તો, કહું મારાં મનડાં કેરી વાત રે. આવો.
આજ આનંદ મારે અતિ ઘણો, વહાલે પ્રેમે સહાયો મારો હાથ રે;
તરીયાં તોરણ મારે દ્વારે બંધાવું, મંગળ ગવરાવું સારી રાત રે. આવો
વૃંદા તે વનની કુંજગલનમાં, સહુ સખીઓની સાથ રે;
નરસૈયાચા સ્વામી સંગે રમતાં, હવે તો હુવો પરભાત રે. આવો

પદ્મ ૨૮ મું. – રાગ પંચમ પ્રભાવ.

જાગોરે જશોદાના જીવન, વહાણેલાં રે વાયાં‚
તમારે ઓશીકે, મારાં ચીર તો ચંપાયા… જાગોરે. ટેક
પાસું રે મરડો તો વહાલા ! ચીર લીઉરે તાણી‚
સરખી સમણી સૈયરો સાથે, જાવું છે પાણી. જાગો.
પંખીડા બોલે રે વહાલા ! રજની રહી થોડી‚
સેજલડીથી ઉઠો વહાલા ! આળસડાં મોડી. જાગો.
સાદડી [૧] પાડું તો વહાલા લોકડીઆં જાગે‚
અંગુઠો મરડું તો પગના ઘૂધરા ગાજે. જાગો.
સાસુડી જાગેરે વેરણ‚ નણદી જાગે‚
ઓ પેલી રે પાડોસણ ઘેર, વલોણું વાજે. જાગો.
જેને જેવો ભાવ હોયે તેને, તેવુંરે થાએ‚
નરસૈયાચા સ્વામી વિના રખે, વાહાણલું વાએ. જાગો.

પદ્મ ૨૮ મું. – રાગ પંચમ પ્રભાવ.

જશોદાના જીવન ઊભા, જમનાને તીરે;
મોરલી વજાડે મોહન, મધૂરી ધીરે. જશોદાના.–ટેક
પીતાંબરની પલવટ વાળી, ઉર લેહેકે માળા;
કાનબીચ કુંડળ લળકે, દીસે રૂપાળા. જશોદાના.

  1. * ધીમો સાદ