પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૪
અખો


જ્ઞાનવિના ભક્તિ તે અશી, ભસ્તે શ્વાને જેમ ઉઠે નશી;
લારે લાર જેમ ચાલ્યે સોર, ત્યાં કોણે દીઠો તો ચોર;
જે જેણે દીઠું સાંભળ્યું, અખા તે તે વળણે વળ્યું. ૩૧૯

જેવી શાસ્ત્ર સંત વાણી વદે, તેવું નરને આવે હ્રદે;
હું મમતા દેહ જો ઓળખાય, સર્વાવાસ હરિ ત્યારે જણાય;
સચરાચર જાણ્યા વિણ હરિ, અખા દ્રોહબુદ્ધી જ્યાં ત્યાં કરી. ૩૨૦

જ્ઞાનવિના ભક્તિ નવ થાય, જેમ ચક્ષુહીણો જ્યાં ત્યાં અથડાય;
તે માટે જ્ઞાની ગુરુ કરો, હરિ દેખાડે સભરો ભર્યો;
ગુરુજ અખા નવ જાણે રામ, તે શિષ્યને શું આપે નામ. ૩૨૧

જોતાં વિચારી સ્વે નિજધામ, ઉપાધ્ય આવવાનો તું ઠામ;
આવી અચાનક ઉઠી બલા, સુખી દુઃખી નર ભુંડા ભલા;
પંડિત જાણ થાપે જીવ કર્મ, અખે માયાનો પ્રીછ્યો મર્મ. ૩૨૨

નિજ શક્તિયે કર્યું આકાશ, તત્વે તત્વ હવો પરકાશ;
અંશે અંશ ભૂતિક પિંડ થયા, સત્તાબળ વડે ચાલી ગયા;
જેમ ખડક્યાં પાત્ર અગ્નિથી ઉષ્ણ, એમ અખા બળ વ્યાપ્યું વિષ્ણુ. ૩૨૩

પાત્ર માત્રમાં હોય વરાળ, પિંડ શાથે હોય મનની જાળ;
મનને જોઇએ સર્વે વિષય, પણ મૂળ અગ્નિને નવ લખેય;
વિષયને મન તે આ સંસાર, અખે એવી વિધ્યે કાઢ્યો પાર. ૩૨૪

મુજ જોતાં એ મન સુખી દુઃખી, પણ મનાતીત ન શકે પારખી;
મનના માર્યા જાએ એહ, એમ સમજણ નહિ સમજે તેહ;
ચૌદ લોકરૂપે મન થયું, અખા મનાતીત જેમનું તેમ રહ્યું. ૩૨૫

પ્રપંચપાર પરમેશ્વર રહે, કાં ગુણનાં કૃતને સાચાં કહે;
ગુણ તે જાય મરે અવતરે, તેને સત્ય જાણે તે ફેરા ફરે;
ગુણપારે જેનો અધ્યાસ, અખા તે નોહે સ્વામી દાસ. ૩૨૬

ખે જગતથી અવળું કર્યું, જીવત મૂકી મૃતક આદર્યું;
મૃતક સમું મીઠું કાંઇ નથી, સારમાંથી સાર કાઢ્યું મથી;
પ્રત્યક્ષ પરોક્ષ જીવતાને ભય, પણ અખા મુવો તે નિર્ભય. ૩૨૭

રામનામ પ્રીછે ગુણ ઘણો, જેમ અમૃતમાં ગુણ પીધાતણો;
વણ સમજ્યો સુડો નિત્ય કહે, રામ કંઠ પંજરમાં રહે;
ક્યાં પૂજ્યો ગાયો પરીક્ષિતે, અખા મુક્તિ પામ્યો પ્રીછતે. ૩૨૮