પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૧
પંચીકરણ.

તુર્યાવસ્થા ઈશ્વરતણી, સાયુજ્યમુક્તિ તેની ભણી;
સુત્રાત્માશું અનુસંધાન, જીવેશ્વર બેઉનું નિદાન.
જીવેશ્વર કેવા નવ રહ્યો, ત્યારે અપંચીકૃતપારે ગયો;
એ પ્રપંચ કલ્પી કીધો સમાવ, સદા નિરંતર છે તે સાવ.
પરા પશ્યંતિ મધ્યમા વૈખરી, પિંડબ્રહ્માંડવિષે ચારે ખરી;
સોહં શબ્દ વૈરાટને વિષે, એક સૂત્ર પિંડમાંહી લખે.
લેતાં શ્વાસથી ઉઠે સકાર, મુકે શ્વાસે થાય હકાર;
સકાર હકારનો હોય લોપ, ત્યાં ઓંકાર રહે વણઓપ.
તે ૐકાર અચિંત્ય અંકોર, ત્રિધા થાય અવાચ્યને જોર;
પરા તેજ અવ્યક્ત છે માય, પશ્યંતિ વિષ્ણુ સત્ત્વગુણ થાય.
મધ્યમા બ્રહ્મા રજોગુણ રૂપ, વૈખરી રુદ્ર સાધારણ ભૂપ;
ચારે વેદ ને ચારે વાણ્ય, સર્વે શબ્દતણું મંડાણ.
મંત્ર જંત્ર સર્વ શબ્દનો ઘાટ, શબ્દે બાંધ્યો સઘળો ઠાઠ;
એણી પેરે શોધે આપ, ત્યારે જાય અહંતા થાપ.
ચૌદ લોક એકે વૈરાટ, તેમાં ચાર ખાણના ઘાટ;
જેમ ઉદંબર વૃક્ષ થડથો મૂળે, મૂળટોચસુધી ફળ નીકળે.
તેમ ચૌદ લોકવીધી સૌ જંત, એમ વૈરાટ ફળ્યો છે તંત;
એ વિરાટ કહાવે બ્રહ્માંડ, રચ્યો પિંડ અસંખ્યાત માંડ.
સ્થૂળને જોતાં નાવે પાર, અંતર ઉતરે લાધે સાર;
એ લેખે દેહાભિમાન, જીવેશ્વરનું ટાળે ભાન.
એ પંચીકરણ છે મહાવાક્ય, એણે થાય અનુભવ પરિપાક;
જંતપણું જેને છે સત્ય, તેણે કરવું એવું નૃત્ય.
વેદતણાં વચન છે એહ, નિઃસંદેહ થાય સમઝે તેહ;
જીવનમુક્ત તે તેનું નામ, જેણે સંભાળ્યું મૂળગું ધામ.
નૈં અવતરિયાસરખો તેહ, જેણે એમ ન સંભાળી દેહ;
મુક્તિબંધનું નહિ અભિમાન, જ્યાં જ્ઞાતા નહીં જ્ઞેય ને જ્ઞાન.
ત્રિપુટીરહિત તે છેજ અવાચ્ય, તત્ત્વમસિપદ શોધ્યું સાચ;
શાસ્ત્રારથ તેણે પામ્યું જ્ઞાન, આત્માનુભવ હવું વિજ્ઞાન.
મહાપદમાં કલ્પ્યું એ દ્વૈત, તે સમઝ્યાથી થયું અદ્વૈત;
અહંબ્રહ્મ ને શબ્દજવિના, એ સમઝે અખા વેત્તા આપના.




શ્રી પંચીકરણ સમાપ્ત