પૃષ્ઠ:Chhayanat.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨: છાયાનટ
 

તેઓ સલામત રહે. પરંતુ તેમણે જ્યારે ઘરને આગ લગાડવાનો પ્રસંગ આવતો જોયો ત્યારે સંતાવું પણ તેમને માટે સલામત ન હતું. બેબાકળા શેઠે જ્યારે સાંભળ્યું કે ગૌતમના પરિચયે ઘર બચે છે, ત્યારે તેમને પુત્રીની ઉદારતા માટે સદ્દભાવ થયો.

તેમણે આવી ચામાં ભાગ લીધો. સહુને રહેવાનો આગ્રહ કર્યો. પરંતુ બહાર ફરતી પોલીસ, કીસને મૂકેલાં બે માણસો અને શરદની કારથી મળતી સગવડનો સહુને મળતો લાભ જોયો ત્યારે તેમણે પોતાનો આગ્રહ ઓછો કર્યો.

સહુ જવા માટે તૈયાર થયા. દીનાનાથે પૂછ્યું :

'ગૌતમ, તું હૉસ્ટેલમાં જાય છે ને ?'

‘શી રીતે ? મને તો કાઢી મૂક્યો છે.' ગૌતમે કહ્યું.

‘હરકત નહિ. મારા મહેમાન તરીકે રહેજે.' અરવિંદે કહ્યું.

‘અગર મારે ઘેર ચાલ.' રહીમે કહ્યું.

'ત્યાં પાછા મુસ્લિમો મને ખોળતા આવે ત્યારે ? હું તો ગમે ત્યાં જઈશ.'

‘અરે, એમ તે હોય ? મારું ઘર ક્યાં નથી ? ગૌતમ, તમે હમણાં મારે ઘેર જ રહો.' ભગવાનદાસે ભારપૂર્વક આગ્રહ કર્યો. તેમને લાગ્યું કે ગૌતમને આ તોફાનના સમયમાં પોતાની પાસે રાખવામાં જ સારું છે.

‘ના જી. આપના ઘરનો હું પરિચિત નહિ. આપને મૂંઝવણમાં હું શા માટે નાખું ?’ ગૌતમે કહ્યું.

‘નિશાને પણ અહીં જ રાખીએ. એ તો તમારી પરિચિત ખરી ને ?’ મિત્રાએ પૂછ્યું.

‘એને ઘેર ઊંચો જીવ થશે ને ?’ શરદ બોલ્યો. કારમાં નિશા ઘણુંખરું શરદની સાથે જ આગલી બેઠક ઉપર બેસતી. શરદ પોતાની કાર જાતે જ ચલાવતો હતો.

‘હું અહીંથી ફોનમાં કહાવી દઉં.' ભગવાનદાસે કહ્યું.

ગૌતમને આ મિત્રો સિવાય બીજે ક્યાંય જવાની સગવડ હતી જ નહિ. રહીમ પોતાને ઘેર રહેતો, શરદ પણ પોતાના ધનવાન પિતાને ઘેર રહેતો, નિશા માટે કાંઈ હોંસ્ટેલ ન હતી. એ ત્રણેને ત્યાં ગૌતમને જવાની ઈચ્છા ન જ હોય. હૉસ્ટેલમાં રહેતા અન્ય મિત્રોની સાથે એકાદ રાત ગાળવામાં પણ પ્રિન્સિપાલની મહેરબાની ઉઠાવવી પડે એમ હતું. ગૌતમને પ્રિન્સિપાલ તથા તેના તંત્ર પ્રમાણે ચાલતી સંસ્થા ઉપર એટલો તિરસ્કાર