પૃષ્ઠ:Chhayanat.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૧૫૭
 


‘તમારે કાંઈ ફરિયાદ કરવાની છે કે ?’ કેદીઓને બીજો પ્રશ્ન કરવામાં આવતો.

આખું કેદખાનું જ માનવજાત સામેની મોટામાં મોટી ફરિયાદ હોય, ત્યાં બીજી નાની ફરિયાદ કરવાની ક્યાંથી હોય ?

‘ના રે સાહેબ, અમને તો અહીં બહુ સુખ છે.' પ્રશ્નનો શરમાવનારો ઉત્તર મળતો. અને કદી ફરિયાદ થઈ તો ?'

એ કેદીને ફટકા, મજૂરી અને એકાંત કોટડી આપવાની સઘળી તરકીબો ઊભી થઈ જતી.

કદી કદી કેદીઓને સુધારવાના શુભ ઉદ્દેશથી ઉપદેશકોને કેદખાને બોધ કરતા મોકલતામાં આવતા.

સુધારવાનો ઉદ્દેશ !

‘જગતને - બહારના જગતને સુધાર ! પછી કેદખાનાં જ નહિ રહે !’ ગૌતમને આવા એક ઉપદેશકને જોતાં વિચાર આવ્યો.

ટોળામાં હારબંધ કેદીઓ બેઠા હતા. ઉપદેશકે પ્રભુપ્રાર્થના કરી. દારૂ ન પીવો, ચોરી ન કરવી, બીજાનું બૂરું ન તાકવું, વ્યભિચાર ન કરવો, એમ અનેક બાબતો ઉપદેશકે સંભળાવી, અને અંતે આશ્વાસન આપ્યું કે કેદખાનાથી બહાર નીકળ્યા પછી ઉપદેશ પ્રમાણે વર્તન કરનારને પ્રભુ સહાય આપ્યા વગર રહેવાનો જ નથી.

‘પ્રભુએ સહાય ન આપી તો ?’ ગૌતમથી પુછાઈ ગયું.

‘એવી અશ્રદ્ધા જ તમને દુઃખમાં નાખે છે !’ ઉપદેશકે કહ્યું.

‘તમને પ્રભુ ઉપર શ્રદ્ધા છે ?’

‘બહુ જ. શ્રદ્ધા વગર જિવાય જ કેમ ?’

‘આ અમે જીવીએ છીએ ને ? અને... તમને તો આ બોધ માટે પગાર મળતો હશે, નહિ ?’

‘હાસ્તો. પગાર વગર કશું કામ કેમ થાય ?’

‘તમને જેટલો પગાર મળે છે એટલો અમને બધાયને મળે તો અમે કદી ગુના નહિ કરીએ. તમારા પ્રભુને એટલું કહો.’

‘પ્રભુ બધું જ જાણે છે.’

‘પ્રભુ જો બધું જાણતો હોય તો તમને અમારી ભેગા જ લાવીને બેસાડી દીધા હોત ?'

'એટલે ?'

‘ખાઈ પી આરામ લેઈ પછી અમને ઉપદેશ આપવા નીકળ્યો છે.'