પૃષ્ઠ:Chhayanat.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૬: છાયાનટ
 


અસહાય બની ગયેલા ગૌતમને જીભ કરડી મરવાનું મન થયું.

એણે નાડાં વણ્યાં, પાટીઓ વણી, શતરંજી વણી.

રોટલા ઘડવાનું શિક્ષણ પણ સોટીની બીક સાથે તેણે લીધું.

ભયંકર એકાંતે તેના મનને બાવરું બનાવી દીધું. તેના મુખ ઉપર, તેની આંખમાં એક પ્રકારની વિહ્વળતાએ પ્રવેશ કર્યો. સાથીદારો હતા, એ સર્વ માનવીઓ ન હતા; એ ભસ્મીભૂત જ્લામુખીઓ હતા. કદી કદી તે ફાટતા પણ હતા.

ઓટલી ઉપર સૂવું, કામળ, ઓઢવી અને અક્ષર પણ ઉચ્ચાર્યા વગર દિવસરાત ગુજારવાં, એ ગૌતમનો નિત્યક્રમ હતો.

જગતથી એ અળગો પડી ગયો. એને વર્તમાનપત્રો મળ્યાં નહિ. એને પુસ્તકો મળતાં નહિ. વાંચવાનું વ્યસન સંતુષ્ટ થતું નહિ એ એનું ભારેમાં ભારે દુઃખ સાંજથી ઓરડાઓમાં પુરાયા પછી વાંચન વગર સમય શી રીતે કાઢવો ? કેદીઓની વસ્તીમાં ગૌતમનું એકાંત વધી ગયું - જોકે પત્રો વાંચવા માટે મળતાં હોત તોપણ યુદ્ધ, કતલ, વિનાશ સિવાય બીજા કયા સમાચાર વર્તમાન જગત આપી શકે એમ હતું ?

કોઈ કોઈ વાર બહારની દુનિયાનાં સુખી માનવો કેદખાનું જોવા આવતાં. એમને ઘેર આયના નહિ હોય ? આયનામાં પોતાનું જ મુખ જોઈ લે ! શા માટે એ કેદીઓની પશુતાને આગળ કરવા આવતાં હશે ? સ્વતંત્ર ફરતી સમાજ અને કેદીસમાજની વચ્ચે જાળીનો જ પડદો હોય છે. છુટ્ટા ફરતાં કેટકેટલાં માનવીઓ આ જગતમાં આવવાને પાત્ર નહિ હોય ?

કેદખાનાના અમલદાર સાહેબો બધે ફરી જતા. ઊભા રહીને તેમને સલામ કરવી જ જોઈએ, નહિ તો ફટકા.

પરંતુ સલામ શા માટે ? કેદખાને થતું શાક એ સાહેબો ખાઈ જાય છે માટે ?

કેદખાને બનતી શતરંજીઓ ઉપાડી જાય છે માટે ?

કેદખાને ગૂંથાતી ટોપલીઓ અને ખુરશીઓ ગુમ કરી જાય છે માટે ?

કેદીજનતાએ કરેલા કયા દોષ છુટ્ટી જનતા કરતી નથી ?

ક્વચિત્ તપાસસમિતિના ખાધેલપીધેલ સફાઈદાર સભ્યો બધા કેદીઓની ખબર લઈ જતા.

‘તમને કાંઈ હરકત છે કે ?’ કેદીઓને પૂછવામાં આવતું. આ ક્રૂર મશ્કરીનો એક જ જવાબ હોઈ શકે : એ પ્રશ્ન કરનારને એક વર્ષ કેદખાનાનો સાચો અનુભવ કરાવવો.