પૃષ્ઠ:Chhayanat.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૯
 

નકલો ત્રણ વર્ષે ખપે એમાં આનંદ માનતા ગુજરાત અને ગુજરાતના સાહિત્ય માટે બહુ જ ઓછું માન ધરાવે એમાં અસ્વાભાવિક કશું જ ન હતું. છતાં તેની આસપાસ ગુજરાત ફેલાયેલું હોવાથી કદી કદી તે ગુજરાતી સાહિત્ય તરફ તિરસ્કારભરી આછી નજર કરતો રહેતો. એટલે થોડી ગુજરાતી ચોપડીઓ પણ એકાદ બાજુએ પડેલી હતી. તેમાંથી પણ પોલીસને કશું વાંધાભર્યું સાહિત્ય મળી ન આવ્યું.

ગૌતમના લેખ કે બીજી વાંધાભરી પત્રિકાઓ કેમ મળી ન આવી ? જોકે નાની ઓરડીનો ખૂણેખૂણો શોધવામાં આવ્યો.

ગૌતમને બોલાવી પોલીસે તેની પાસે પુસ્તકો ઓળખાવવા માંડ્યા. પુસ્તકોનો મોટો ભાગ કૉલેજના પુસ્તકાલયની છાપવાળો હતો, અને બાકીનાં પુસ્તકો કૉલેજના પ્રોફેસરે ભલામણ કર્યાથી મંગાવવામાં આવ્યાં હતાં એવો ગૌતમે જવાબ આપ્યો - જે જવાબની અસર શ્યામ રંગી પ્રિન્સિપાલના મુખને પણ રાતું બનાવી શકતી હતી.

'તેં પુસ્તકો વગે કર્યાં લાગે છે !' પ્રિન્સિપાલે કહ્યું.

‘એટલે ?’ ગૌતમે પૂછ્યું.

‘એટલે એમ કે આ સિવાયનાં અનેક પુસ્તકો તું રાખે છે અને વિદ્યાર્થીઓમાં તેનો ફેલાવો કરે છે.'

‘સાહેબ ! હું ધનવાન વિદ્યાર્થી નથી એ આપ જાણો છો.’

‘માટે જ તને આ બધું સૂઝે છે ! જેને કાંઈ ગુમાવવાનું નથી. એને જવાબદારીનું ભાન જ હોતું નથી.’

ગૌતમ આ ઠપકો સાંભળી રહ્યો. ગઈ કાલથી તેને કોઈએ ચેતવણી આપી દીધી હતી. અને ખરેખર તેણે સરકારી દૃષ્ટિએ વાંધાભરેલાં અનેક પુસ્તકો પોતાની ઓરડીમાંથી ખસેડી નાખ્યાં હતાં.

'પ્રિન્સિપાલ સાહેબ ! કૉલેજમાં આવાં પુસ્તકો કેમ રાખો છો ?’ પોલીસ અમલદારે કહ્યું.

‘ભણવા માટે કેટલાંક પુસ્તકોની જરૂર તો પડે જ ને ? પ્રધાન બની ગયેલા મેકડોનલ્ડે સોશ્યાલિઝમ ઉપર પુસ્તક લખ્યું છે. લંડનની સ્કૂલ ઈકોનોમિક્સવાળા હેરોલ્ડ લાસ્કીનાં પુસ્તકો તો પાઠ્યપુસ્તક ગણાય છે. બર્ટ્રાંડ રસેલ અને લૉર્ડ....’

‘એ જે હોય તે. પણ મારે આ પુસ્તકો જપ્તીમાં લેવાં પડશે.’

‘અમને અહીં હરકત પડશે.'

‘એનો ઈલાજ નથી.'