પૃષ્ઠ:Chhayanat.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ:૧૭૫
 


‘અં હં. એ તો કેટલાંય વર્ષોથી ઘર છોડી ગયાં. પેલું હુલ્લડ નહોતું થયું, ત્યારનાં.’

હુલ્લડ જાણે ભુલાઈ ગયું હોય એટલે દૂર ચાલ્યું ગયું. એનો જીવતોજાગતો ભોગ ગૌતમ એ હુલ્લડનાં જ સ્થળોએ ફર્યો છતાં એને કોઈ ઓળખતું ન હતું.

ગૌતમે શરદના બંગલા ભણી પગ વાળ્યા. પેલી સાંકડી ગલીવાળે રસ્તે થઈને એ ચાલ્યો. વરસાદવાળી રાત્રે જ્યાં એણે વિસામો લીધો હતો. ત્યાંનું જૂનું ઘર એણે જોવા માંડ્યું. ઘર આગળ તો સીમેન્ટ કૉન્કીટનું એક આલિશાન મકાન ઊભું થઈ ગયું દેખાયું ! આખો લત્તો ફરી ગયો હતો. મકાનમાં છાપખાનું અને વર્તમાનપત્રની કચેરી દેખાયાં ! વર્તમાનપત્રનું "ગરવી ગુજરાત" નામ મોટા પાટિયા ઉપર લકટતું હતું. છાપખાનું પણ એ જ નામે ઓળખાતું લાગ્યું.

‘કોણ હશે. આ પત્રકાર ?’ ગૌતમના મનમાં પ્રશ્ન ઊઠ્યો. એક ક્ષણ તેને મકાનમાં જવાનું મન થયું, મકાનને દરવાજે એક જબરજસ્ત પઠાણ બેઠો હતો. આવા પરદેશી પઠાણો જ હુલ્લડોમાં વધારે ભાગ લે છે એવી ખાતરી સહુની થયા છતાં ઉદાર ગુજરાતે પોતાની સલામતી પર હાથ સોંપવાની માનવતા આ ચાર વર્ષમાં પાછી શરૂ કરી દીધી હતી !

‘હજી આ પરાવલંબન ગયું નહિ !’

ગૌતમના મનમાં વિચાર ખટક્યો અને સાથે સાથે તેને લાગ્યું કે તેનો જૂનો જુસ્સો પાછો આવતો હતો. તેણે આવા નમાલા પત્રકારના મકાનમાં જવાનું માંડી વાળ્યું.

‘અને નામ આપ્યું છે ગરવી ગુજરાત !’

ગૌતમ મનમાં બોલી રહ્યો. તેના જૂના પરિચિત મિત્રમાંથી શરદનું સ્થાન વધારેમાં વધારે સ્થિર હતું. એની મિલો હતી અને ભણીને તે નોકરી કરવાનો હતો જ નહિ. બીજા સહુ મિત્રો વેરાઈ ગયા હોવાનો સંભવ ખરો, પણ શરદ તો આ શહેરમાં જ હોય. બીજું કાંઈ નહિ તો શરદનો પત્તો લાગે ખરો.

ધીમે ધીમે ચાલતે ચાલતે તે મિલના વિસ્તારમાં ગયો. શરદનું મકાન કારખાનાથી વળી દૂર હતું. એટલે પ્રથમ તપાસ કારખાને કરવામાં જ ચોકસાઈ વધારે થાય એમ હતું. મિલના દરવાજામાં પેસતાં જ દરવાને પ્રશ્ન કર્યો ?

‘ક્યાં જાઓ છો ?’ દરવાન મુસ્લિમ પઠાણ જ હતો.