પૃષ્ઠ:Chhayanat.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૮ : છાયાનટ
 


‘એમ ? તને મળવા ન આવી શક્યો. વચમાં હું જર્મની, ઈંગ્લંડ અને જાપાન જઈ આવ્યો..'

‘રશિયા ન ગયો ?’

‘ન જવા દીધો. ચાલ જરા ચા પી લે. બહુ દિવસ થયા, હોં ! તને જોઈને કેટલો આનંદ થાય છે ?'

ગૌતમનો હાથ પકડી તેને ચા પીવાની ઓરડીમાં તે લઈ ગયો. ધનિકો કામે કામે અલગ ઓરડા રાખી શકે છે. આખું શરીર અંદર ઊતરી જાય એવી સુંવાળી ખુરશી ઉપર આરામથી બેસી ચા પીવાની સગવડ જરૂર અનુકૂળ ખરી, પરંતુ નક્કર જમીન ઉપર સૂઈ બેસી આવેલા ગૌતમને એમાં એક પ્રકારની અગવડભરી પોકળતા લાગી.

ધનિકોની ચા એટલે ગરીબોનું અઠવાડિયાનું ખાણું.

ચા પીતે પીતે ગૌતમે પૂછ્યું :

‘બધી દેખરેખ તારે હાથ આવી છે, નહિ ?’

‘હા, પિતાને એકાએક ધર્મ ઉપર આસ્થા ઊપજી, એટલે બધું મને સોંપી જાત્રા કર્યા કરે છે.’

‘મજૂરોને કાંઈ ફાયદો કરી આપ્યો કે ?’

‘પિતાની નજર છે ત્યાં સુધી કાંઈ ન થાય. બનતું કરું છું. પણ...'

‘શું ?

'તને ન ગમે એવી વાત કરું ?’

'હા, જરૂર.'

‘મજૂરોનું ભલું થઈ શકે એમ છે જ નહિ. એવી અનાડી જાત કે જેટલું કરીએ એટલું ઓછું પડે. સામ્યવાદમાંથી મારી શ્રદ્ધા ઘટી ગઈ.'

ગૌતમે શરદના મુખમાં જ એ ફેરફાર જોઈ લીધો. મજૂરોનું સ્વર્ગ રચવાને બદલે આ ધનિક યુવાને પોતાની આસપાસ તો સ્વર્ગ સર્જ્યું લાગતું હતું. આ ઓરડો, આ ખુરશીઓ ! આ સાધનોની એક માણસને જેટલી જરૂર એટલી એના કારકુનોને ન જ હોય ને ? મજૂરોએ તો ઓછે ચલાવવાનો ધર્મ પાળવો જ જોઈએ. શું માનવી ફરી જાય છે !

ગૌતમે વાત બદલી :

‘નિશા ક્યાં હશે ?’

એની તો વાત જ કરવાની નથી. Lost soul ![૧]'


  1. * પ્રભુએ વિસારેલો જીવ.