પૃષ્ઠ:Chhayanat.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૨ : છાયાનટ
 

ઇચ્છા રહી જ નહિ.

એણે પત્રને ફેંકી દીધું અને દીવો હોલવી નાખ્યો.

ગઈ કાલે તો એ કેદખાનાની ઓટલી ઉપર કામળ ઓઢીપાથરી સૂતો હતો ! આજે પલંગ ઉપરના ગદેલામાં તે લેટી રહ્યો હતો ! પલંગ ખરેખર સુખદાય તો લાગતો જ હતો ! આહ, કેવો સરસ સ્પર્શ ! અને મિત્રા તથા નિશા પણ એકાએક યાદ આવી ગયાં. !

ગૌતમ બેઠો થઈ ગયો. શું, આવું દેહસુખ ભોગવવા તેણે જન્મ લીધો હતો ? કેદખાનાનું કષ્ટ શું ગૌતમને સુંવાળાશમાં ફેંકવા માટે હતું ? એ શિક્ષણ નિરર્થક કરનાર પલંગ ગૌતમે છોડી દીધો અને દીવો કરી ગોઠવેલાં ટેબલ ખુરશી ઉપર બેસી એણે લેખ લખવામાં મન પરોવ્યું.

જાંઘ ઉપર પૂઠું મૂકી લેખ લખવાની ટેવવાળા ગૌતમને ટેબલખુરશીનું વાતાવરણ ગમ્યું. એના લેખમાં ઝડપ આવી, રોફ આવ્યો, અસરકારક દલીલો આવી.

પણ એણે શું ઘસડી કાઢ્યું ?

હિંદનું માનસ લોકશાસનને અનુકૂળ હોઈ શકે જ નહિ !

શું ગૌતમ સ્વપ્નમાં હતો ? જાગ્રત અવસ્થામાં કદી તે આવો લેખ લખે ?

ગૌતમ લેખ ફરી વાંચી ગયો. કેવો સરસ લેખ ? કેટલી સચોટ દલીલ? કેટલો ઐતિહાસિક અભ્યાસ ?

આની સામે દલીલ કરવી હોય તો ?

થઈ શકે. આને જ આગળ લંબાવાય. લોકશાસનની વિરુદ્ધમાં આથી વધારે કશું જ કહેવાનું હોય નહિ ? કાલે એ જ દલીલોને તોડતો બીજો લેખ તૈયાર થઈ શકશે.

એકાગ્ર બનેલા ગૌતમે બહાર અટ્ટહાસ્ય સાંભળ્યું.

ગૌતમને આખી જિંદગીભર કોણ હસ્યા કરતું હતું ?

ગૌતમે આ લેખ ફાડી નાખવો જોઈએ. એને આ બધું શોભે ?

ગૌતમે લેખ હાથમાં લીધો અને ફાડવાની તૈયારી કરી. કોઈ બોલી ઊઠ્યું :

‘મૂર્ખ ! તું નહિ તો બીજો કોઈ લખશે !’

કોણ બોલ્યું એ ? કદાચ એનું વ્યવહારુ ડહાપણ આ ઉચ્ચારણ કરતું હતું. બીજો ભલે લખે, ગૌતમ કદી આમ કલમને કલંકિત નહિ કરે !

‘શાનું કલંક ? અને શાની વાત ? મહેનત કરી છે તો લેખ પડ્યો રહેવા