પૃષ્ઠ:Chhayanat.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૬ : છાયાનટ
 


'પણ શું ? પેલા ફાડી નાખનારા શિકારી કૂતરાઓ જોયા ?'

‘હા... શું મને ડરાવે છે ?'

‘ભળી જા પેલા ટાયલાંનાં ટોળાંમાં. નહિ તો.. છું !’

શિકારી શ્વાનો ધસ્યા અને ગૌતમે આંખો મીચી. પરંતુ એક ક્ષણમાં ગૌતમને પગે દાંત ખોસાયા અને અત્યંત કષ્ટને લીધે ગૌતમની આંખ ઊઘડી ગઈ.

ગૌતમે શું જોયું ?

સૂર્ય આકાશમાં ઊંચે ચડતો હતો.

ગૌતમના પગ પાસે બેન્ચ ઉપર એક કૂતરું બેઠું બેઠું હાડકું કરડતું હતુ.

ગૌતમ બેઠો થયો. કૂતરાએ નાસવું કે ન નાસવું તેનો એક ક્ષણમાં નિશ્વય કરી નાખ્યો. ગુજરાતી ગૌતમથી ડરીને નાસવાની એ પશુને જરૂર લાગી નહીં.

હાડકું કરડવાનું કાર્ય એણે ચાલુ રાખ્યું.

ગૌતમે તેના દેહ ઉપર સહજ હાથ ફેરવ્યો. સ્પર્શ ગમ્યો ન હોય તેમ કૂતરાએ ચામડી અને રુવાંટાં થરકાવી સ્પર્શની અસરને ખંખેરી નાખી.

ગૌતમને સ્વપ્ન યાદ આવ્યું. કૂતરાને ગળે હાથ નાખી. તેણે કહ્યું :

‘હું અને તું સરખા નહિ ?’

ગૌતમના ઢીલા હાથમાંથી કૂતરાએ પોતાનો દેહ મુક્ત કર્યો. એટલું જ નહિ, બેન્ચ ઉપરથી કૂદી નીચે ઊતરી એણે ઘુરકિયું કર્યું.

હિંંદવાસી સાથે થયેલી પોતાની સરખામણી એ શ્વાનને પણ ગમી નહિ. !

સૂર્ય ઉપર એક ગાઢ કાળું વાદળ ધસી આવ્યું.

ગૌતમ એ છાયાને જોતો બેઠો !

હિંદની જૂની કથા તેને યાદ આવી : સૂર્યને ગ્રસનાર - રાહુ અને કેતુ ! એક ધડ વગરનું મુખ : બીજું મુખ વગરનું કબંધ ! હિંદના સૂર્યને ગ્રસી જનાર કોણ ? કોઈ પરદેશી નહિ ! કોઈ ગોરો નહિ ! હિંદવાસી જાતે રાહુ છે અને કેતુ છે. એ ધડ વગરનું પાંગળું મુખ લઈને ફરે છે ! અથવા મુખ વગરનું સર્વેન્દ્રિયરહિત કબંધ ફેરવે છે !

એમાંનો એક એ પોતે જ !

•••