પૃષ્ઠ:Chhayanat.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૩૧
 

બેસવાની જગા ખોળતા ગૌતમને અને તેના પિતાને બેસવા માટે એક પણ ડબ્બામાંથી આમંત્રણ ન મળ્યું, ‘આગળ જાઓ. !’ ‘અહીં ભીડ છે !’ ‘જગા નથી.’ ‘ચાલ હટ !’ ક્યાં ઘૂસે છે ?’ ‘આગે બઢો.'નાં માનવતાસૂચક વાક્યોએ તેમને સૂચવ્યું કે આખી ગાડીમાં તેમનો કોઈને ખપ ન હતો.

પરંતુ બાપદીકરાને તો ગાડીનો ખપ હતો જ. દસબાર સ્થળેથી અપમાનવાચક નકાર સાંભળી ગૌતમે છેવટે એક ડબ્બાના માનવીઓનો વિરોધ સહન કરીને એક બારણું ઉઘાડ્યું અને પિતાને અંદર દાખલ કરી તે પોતે ડબ્બામાં ચઢી આવ્યો. ‘શું મારા ભાઈ ? જરા આગળ તો વધવું હતું ?’ ‘બૈરાં બેઠાં છે તે તો જરા જુઓ !’ ‘છોકરાંના પગ કચરશો.’ આમ શિખામણ, ધમકી અને અવગણનાના પ્રહારો સહી ડબ્બામાં ઊભા રહેલા બાપદીકરાની નજર જોડેના ખાનામાં લાંબા થઈ. આખું પાટિયું રોકી સૂતેલા એક માણસ ઉપર પડી. ચારેપાસ ગીરદી હોવા છતાં આખું પાટિયું ઘેરી આરામ કરતા માનવીનું વલણ અર્થવાદી દુનિયા - Capitalistic World ના અર્ક સરખું તેને દેખાયું. આસપાસ માનવીઓ ઊભા રહે અને એક માનવ એમની વચ્ચે આરામથી સૂઈ રહે ! જગત માનવીનું કે રાક્ષસનું ?

‘શું કોઈ રાવણ તો ત્યાં સૂતો ન હતો ?'

ગૌતમને તે દિવસનું સ્વપ્ન હજી વિસારે પડતું ન હતું. તેના મનમાં એક ભ્રમણા જાગી હતી ! જગતમાં રાવણ જ રાજ્ય કરી રહ્યો છે !

ગાડીમાં પણ દેહ લંબાવી તે જ પડ્યો હતો !

ગૌતમે પિતાને કહ્યું :

‘પેલી એક પાટલી છે. ત્યાં બેસીએ.'

‘માણસ સૂઈ રહ્યો છે ને ?’

‘સૂતો હશે તો ઊઠશે, આખી પાટલી કેમ રોકી શકે ?’

‘હમણાં જગા ખાલી થઈ જશે. નાહક ઝઘડો ઊભો થશે.'

તે જ ક્ષણે પાટલી ઉપર સૂઈ રહેલા મનુષ્યના પગ પાસે રહેલી થોડી જગા ઉપર બીજો કોઈ માણસ બેઠો. અને સૂતેલા મનુષ્યના પગનો સહજ સ્પર્શ થયો. સૂતે સૂતે જ પેલા માણસે લાત ફેંકી. વેંત જેટલી જગામાં બેઠેલો મુસાફર ઊથલી બીજા માણસના દેહ ઉપર પડ્યો.

‘અરે શું મારા ભાઈ ! જોતા નથી.' ધક્કો ખાનારે કહ્યું.

‘હું શું કરું? પેલા ભાઈએ મને લાત મારી.’ લાત ખાનાર મુસાફરે કહ્યું.