પૃષ્ઠ:Chhayanat.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮: છાયાનટ
 


‘પ્રિન્સિપાલે અને આગેવાનોએ છોકરાઓને સમજાવી લીધા.’

'પણ એક જણને હજી કૉલેજમાં લીધો નથી.'

'એ જ હું.'

‘મને લાગ્યું ખરું.’

‘પણ તમને અમારી હડતાળમાં કેમ રસ પડે છે ?'

'જ્યાં જ્યાં તોફાન ત્યાં ત્યાં અમને રસ પડે છે.'

‘શા માટે ?’

‘એમાંથી અમારી કમાણી જાગે.'

‘કમાણી ? કેવી રીતે ?’ ચમકીને ગૌતમે પૂછ્યું.

‘તું મારી જોડે રહે તો તને ખબર પડે, તે સિવાય નહિ.’

‘એ સમજ્યો. પણ વિદ્યાર્થીઓની હડતાળમાં તમને કમાણી શી ? મારે એ સમજવું જ છે.’

‘હડતાળ લાંબી ચાલત તો જરા વિદ્યાર્થીઓને ખોખરા કરત. જોતજોતામાં હડતાળ બંધ !’

'પણ એમાં કમાણી ક્યાંથી ?’

‘જેને જેને હડતાળથી ગેરફાયદો થાય એ અમને પૈસા આપે.'

‘આ હડતાળમાંથી તમને કાંઈ મળ્યું છે ?'

‘થોડું.'

‘કોના તરફથી ?’

‘વધારે ન પૂછીશ. પણ તારા જ એક દોસ્તના પિતા તરફથી.’

ગૌતમ ચમક્યો. કયા મિત્રનો પિતા આ કાર્ય કરે એવો હતો તેનો એણે ઝડપથી વિચાર કર્યો. શરદના પિતા તો ન હોય ? છતાં એના મનમાં કોઈને માટે ઊંડી શંકા ઊપજી નહિ પરંતુ તેનું વિદ્યાર્થી તરીકેનું સ્વમાન ઘવાયું. તેણે પૂછ્યું :

‘વિદ્યાર્થીઓને ખોખરા કરવાનું કામ સહેલું છે ?’

'તેં મારી જોડે થોડી મારામારી કરી એટલે તને એમ લાગતું હશે કે વિદ્યાર્થીઓ બહાદુર છે, નહિ ?’

‘હું તો એમ માનું છું. વિદ્યાર્થીઓ ગુંડાઓથી ડરે જ નહિ.’

‘અરે, બિલાડી અને કૂતરાંનાં બચ્ચાંથી પણ એ ડરે છે ! તારી કૉલેજના બધા વિદ્યાર્થીઓને ભેગા કર. મારા દસ સાથીદારો પાંચ મિનિટમાં આખા ટોળાને નસાડે નહિ તો મારું માથું અને તારો જોડો !