પૃષ્ઠ:Chhayanat.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૫૧
 


‘ભાઈ, ગામડામાં ખુલ્લી રીતે ગાવું-ગવરાવવું ઠીક નહિ.’ વિજયરાયે કહ્યું.

‘કેમ ?’ ગૌતમે પૂછ્યું.

‘લોકોમાં સારું ન કહેવાય.’

‘સંગીત ન ગમે એવા લોકોને ગરદન મારવા જોઈએ.’

‘આપણે ઓછા રાજા છીએ !’

રાજા ન હોવાનું કથન ગૌતમને ઈશ્વરની કૃપા સરખું લાગ્યું ; જો ઈશ્વર જેવી સત્તા સૃષ્ટિ કે સૃષ્ટિ બહાર હોય તો ! છતાં વિજયરાયના કથનનું એક પરિણામ એ આવ્યું કે સુનંદાએ ગીત બંધ કર્યું. એટલું જ નહિ, પરંતુ તે ત્યાંથી ઊઠી ચાલી ગઈ. પાછળ અલકનંદા પણ દોડી ગઈ.

‘જો, ગૌતમ ! શહેર જેવી છૂટ આપણાં ગામડાંમાં ન હોય.' વિજયરાયે કહ્યું.

'કારણ ?’ ગૌતમે પૂછ્યું. એ તો એમ ધારતો હતો કે શહેર કરતાં ગામડાંમાં ઓછાં રૂઢિબંધનો હતાં. ગરીબીને રૂઢિ ભૂખમરાની, બીજી શી હોય ?

‘શહેરો વધારે સુધરેલાં. ત્યાંના ધનિકોને નાચગાન શોભે, આપણને નહિ.' જે ધનિકોને શોભે તે ગરીબોને ન શોભે ! કારણ એટલું જ કે ધનિક ધન ઝૂંટવી સંઘરી રાખવામાં સફળતા મેળવે. ગરીબને એ સગવડ જ ન મળે. સંગીત એટલે ધનિકોની જ મોજ !

પરંતુ પ્રત્યેક મોજ ધનિકોને જ માટે અલગ અને સંભાળપૂર્વક રાખવામાં આવે છે ને ! માતાપિતા સાથે દલીલ કે વાદવિવાદ કદી સફળ થતાં નથી - અલબત્ત પિતામાતાની સામી એ ફરિયાદ પણ સાચી જ છે કે દલીલ કે વાદવિવાદ સંતાનો સાથે પણ કદી સફળ થતાં નથી જ.

વાતમાં ને વાતમાં ગૌતમને ખબર પડી કે સુનંદાના સંગીતશોખને લીધે તેમ જ ગૌતમના ઉદ્દામ વિચારો તથા કાર્યોને લીધે સુનંદાનો વિવાહ આખો અટકી ગયો હતો !

ગૌતમને આ સામાજિક જુલમ સમજાયો નહિ. સંગીતને અને લગ્નને તો વધારે ગાઢ સંબંધ હોય. સંગીતપ્રિય પત્ની પતિને અભિમાનરૂપ બનવી જોઈએ. પરંતુ મધ્યમ વર્ગ હજુ સંગીતશોખથી ડરતો રહે છે એ સત્ય ગૌતમને અત્યારે સમજાયું. દેશસેવા, ક્રાન્તિ, ઉદ્દામ વિચારો અને કાર્યો બીજાઓ માટે જ સારાં ગણાય. આપણને એ ફાવે નહિ અને શોભે નહિ ! ધનવાનનું, તપવાનનું અને કંઈક અંશે ગુંડાનું એ કામ.