પૃષ્ઠ:Chhayanat.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ

ગૌતમ પ્રસન્નતાપૂર્વક સૂતો. લગભગ દોઢસો સભ્યો તેના સ્વાધ્યાયમંડળમાં જોડાઈ ગયા. કૉલેજના આઠસો વિદ્યાર્થીઓમાંથી દોઢસો સાચા ક્રાન્તિકારીઓ ઊભા થાય તો ક્રાન્તિનો ધ્વજ ખરેખર ઊડતો જ રહે. કેળવણી, કલા અને સાહિત્યમાં રશિયાએ કરેલી પ્રગતિ ઝંખવી નાખે એવી હતી. એનો એકાદ અંશ તો આ રીતે હિંદમાં ઉતારી શકાય. દોઢસો સભ્યો સો સો નવા અનુયાયીઓ ઊભા કરે તોય પંદર હજારની સંખ્યા તો જોતજોતામાં થઈ જાય, અને સત્તા પ્રાપ્ત કરવાનું એક સબળ સાધન આમ સહજ મળી શકે. પાંચ વર્ષમાં એ પંદર હજાર બીજા સો સો સભ્યો લાવે તો પંદર લાખનું પ્રગતિશીલ સૈન્ય...!

પંદર લાખ સાચા સૈનિકો શું ન કરી શકે ? માનવજાતનું મુખ ફેરવી નાખવાની એ સૈન્યમાં તાકાત હોય ! એક દસકામાં તો હિંદનો નકશો સારા જગતનું ધ્યાન ખેંચી રહે !

જગતનું સુખ ! હિંદને હાથે રચાતું જગતનું સુખ ! દસકાની જ રમત ! ગૌતમ જ નહિ પણ સહુ કોઈને એ કલ્પના પ્રસન્નતા ઉપજાવે. ગૌતમને મન એ કલ્પના હતી જ નહિ. એ નક્કર સત્ય હતું. ગાંધીવાદે તેના બેચાર વર્ષ બરબાદ ન કર્યા હોત તો એ વર્ષો પણ પ્રગતિલક્ષી બની શક્યાં હોત !

ખેર ! ગાંધીવાદ પણ અંશતઃ ઈતિહાસ જ કહેવાય. એની ચમક પાછળ રહેલો પ્રત્યાઘાત ઝડપથી સમજાઈ ગયો એ પણ એક સુચિહ્ન જ ગણાય ! ગૌતમનું નામ પણ ગાંધીવાદી છાપવાળું ! અહિંસાનો આદ્ય ઉપદેશક ગૌતમ ! ગાંધીની અહિંસાને બાજુએ મૂકનાર પણ પોતે ગૌતમ ! શી અજબ ખેંચાખેંચી ! જગતશાંતિ એ સાચો આદર્શ. પરંતુ એને મેળવવાનો માર્ગ અહિંસા તો નહિ જ ! હિંસાની જાળ તોડવા અહિંસાનો ઉપયોગ કેટલો અશાસ્ત્રીય !

અને ખાદીની ઘેલછાનું ચિહ્ન હજી તેના દેહ ઉપર વળગી રહ્યું હતું !