પૃષ્ઠ:Chhayanat.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨:છાયાનટ
 

પ્રગતિશીલ ગૌતમથી હવે ખાદીનું પહેરણ પહેરી રખાય જ નહિ ! સંસ્કૃતિની પીછેહઠ અને સંસ્કૃતિના સંકોચનું એ ચિહ્ન ! વરાળ, વીજળી, રેડિયો અને દૂરદર્શનના આખા યુગને લુપ્ત કરવો એનું નામ ખાદી ! જગતના શોષિતોને બદલે માત્ર હિંદના જ શોષિતોમાં સમભાવના મર્યાદિત કરવો એનું નામ ખાદી !

એ દૂર થાય તો રહ્યોસહ્યો પ્રત્યાઘાત પણ વેગળો જાય !

ગૌતમે ઊઠીને કૉલેજ હોસ્ટેલની ઓરડીના આછા અંધકારમાં ખાદીનું પહેરણ દૂર કર્યું અને એક સોંઘું, સુંવાળું જાપાનીઝ ખમીસ પહેરી લીધું. કાંઈ ખડખડ હાસ્ય થતું એણે સાંભળ્યું શું ? રાત્રિ એટલી બધી વધી ન હતી કે જેથી છાત્રાલયના વિદ્યાર્થીઓ બધા જ સૂઈ ગયા હોય !

અને મધરાતે કે પાછલી રાતે ઊઠીને પણ છાત્રાલયના વિધાર્થીઓને હસતાં કોણ રોકે એમ હતું ? જોખમ વગર નિયમ તોડાતો હોય તો તે તોડવામાં મશહૂર બનેલો કૉલેજનો વિદ્યાર્થી સ્વાતંત્ર્યશોખીન તો ખરો ને? હાસ્ય જાણીતા વિદ્યાર્થીનું હતું. જાપાનના મજૂરોમાં ફુટ થયેલી જગતભરના મજૂરોની એકતા તેણે જાપાનીઝ ગંજીફ્રાક પહેરી અનુભવી, અને ખાદીમાં ગૂંચવાઈ રહેલી હિંદી સંકડાશ તેણે મોકળી કર્યાનો આનંદ મેળવ્યો.

ગૌતમ ફરી ખાટલા ઉપર સૂતો અને ફરી એની ઓરડીમાં જ કોઈ ખડખડ હસતું સંભળાયું. ગૌતમ ચમકીને બેઠો અને તેણે વીજળીની બત્તી સળગાવી. તેની નાનકડી ઓરડી ખાલી હતી અને આસપાસની બંને ઓરડીઓ તદ્દન શાંત હતી.

કોઈ ચીડવતું હતું ? સ્વરસંયોજનકુશળ* [૧] વિદ્યાર્થી આ વર્ષે કૉલેજમાં કોઈ હતો જ નહિ. પછી ગૌતમની જ ઓરડીમાં હાસ્ય સંભળાય એવી આવડત કોણે રાતમાં ખીલવી હોય ?

આકાશમાં વીજળી ચમકી અને દૂરથી ઘનગર્જના આવતી. તેણે સાંભળી.

એ તો ચોમાસું ગર્જી રહ્યું હતું ?

ભલે ગર્જે ! આકાશી ગર્જનાઓની તેને બીક ન હતી. નિરર્થક હવામાં વીખરાઈ જતા એ કુદરતી બળને પ્રગતિશીલ ભાવિ જરૂર માનવસેવામાં ઉતારી શકશે એવી માનસિક ખાતરી સાથે ગૌતમ સૂતો.

ક્યાં સુધી ? કોણ જાણે ! ગૌતમને તો એમ જ લાગ્યું કે તે બિલકુલ


  1. * Ventriloquist