પૃષ્ઠ:Chhayanat.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૮૫
 

એટલા પૂરતો તેને ત્યાં જવાનો હક્ક હતો. પરંતુ હોસ્ટેલ નિરીક્ષક તેને તત્કાળ ચાલ્યા જવાની પણ સૂચના આપી શકે. વિનંતી કરીને એકાદ રાત તે રહી શકે. પરંતુ પછી ?

અભ્યાસ બંધ !

રહેવાનું સ્થાન નહિ !

પચીસ રૂપિયા પૂરા થતાં કમાણીની શોધ !

અને દેશની સ્વતંત્રતા માટેનો પ્રયત્ન તો બંધ રખાય જ કેમ ?

શું એને માટે નવી સાહસ સૃષ્ટિ તો ઊભી થતી ન હતી ?

તે આગળ ને આગળ શહેર બાજુએ ચાલ્યો જતો હતો. લોકો નાસતા દોડતા સંતાતા હતા તેનું એણે ભાન પણ ગુમાવ્યું હતું. પાછા જવાની, સંતાવાની ચારેપાસ થતી સૂચનાઓ સાંભળ્યા છતાં તેને તે સંભળાતી ન હતી. વસ્તીવાળા ભાગમાં આવતાં જ અંધારું થઈ ગયું અને દીવાઓ પ્રગટી નીકળ્યા.

એકાએક તેનો હાથ કોઈએ ખેંચ્યો. ગૌતમ ચોંકી ઊઠ્યો. નજર ફેરવતાં તેણે પોતાના મિત્ર દીનાનાથને ઓળખ્યો.

‘ક્યાં ફરે છે તું ? આખા શહેરમાં તને શોધી વળ્યો !’ દીનાનાથે કહ્યું.

‘શા માટે ?’

'જખ મારવા...'

એક કરુણ ચીસ સંભળાઈ, દોડી જતાં માનવીઓમાંનો એક જમીન ઉપર રુધિર વહતો તૂટી પડ્યો ! ‘ઓ રામ !' પડતા માનવીએ ચીસ પાછળ ઉચ્ચાર કર્યો.

એક બીજો માનવી ઝડપથી ભાગતો હતો ! એ ભાગતા માનવીની પીઠ ઉપર પણ છરો ભોંકાયો.

‘મારનાર તો ભાગ્યો છે, પણ તું તો લેતો જા !’

એ શબ્દો સંભળાયા અને તેની સાથે જ ઘવાયલા બીજા માનવીએ ચીસ પાડી.

‘યા અલ્લા !'

લોકો વધારે ઝડપથી દોડવા માંડ્યા. ‘એ રામ !' અને ‘યા અલ્લા !’ની બૂમ સાથે હિંદુ અને એક મુસ્લિમ નિદાન મૃત્યુઐક્ય અનુભવતા સાથે જ જમીન ઉપર સૂતા બંનેનો દોષ શો ? એક હિંદુ હતો તે દોષ ! બીજો મુસલમાન હતો તે દોષ !

મારનાર ભાગી ગયા. જોનાર એથી પણ વધારે ઝડપ રાખી ભાગ્યા.