પૃષ્ઠ:Chhayanat.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪: છાયાનટ
 


પછી ?

તેના પગ વગર સૂચને ધીમે ધીમે ચાલવા માંડ્યા. પ્રિન્સિપાલ સાહેબના બગીચામાં ઊગેલાં અનેક પુષ્પોમાંથી એક પુષ્પ તેના હાથે વગર ઉદ્દેશે તોડ્યું.

‘ફૂલ કેમ તોડી લો છો ? કહ્યા વગર ?’ ગૌતમે એક ઝીણો સ્ત્રીસાદ સાંભળ્યો. તેણે પાછળ જોયું. અંગ્રેજી અને ગુજરાતી સફાઈના મિશ્રણ સરખી એક કિશોરીનો એ સાદ હતો. પ્રિન્સિપાલની તે દીકરી હતી.

એક બાજુએથી જબરજરત કૂતરો ભસી રહ્યો !

ધનવાનો-સત્તાવાનો પાછા ફાડી ખાનારા કૂતરાઓને પણ બંગલામાં રાખે છે ! નિષ્ઠુર સ્વભાવ, તોછડાઈભર્યું વર્તન, એકલપેટાપણું અને સ્વસંતોષના કિલ્લાઓ જાણે તેમને ઓછા પડતા હોય તેમ તે હિંસક કૂતરાઓનો પણ કિલ્લો બાંધી ચોર, ભિખારી, રખડેલ અને અજાણ્યા કે અણગમતા માનવીઓને દૂર કરવાના ચક્રવ્યુહ રચ્યે જ જાય છે !

હિંદમાં ચોર કોણ ? ભિખારી કોણ ?

ભવિષ્યમાં કોઈ અર્થશાસ્ત્રી એમ નહિ કહે કે પચાસ રૂપિયાની વાર્ષિક આવકવાળા હિંદના નાગરિકોમાંથી જેમણે એથી વધારે રકમ મેળવી હોય તે બધા જ ચોર છે ? જે ચોર નહિ તે ભિખારી ! હિંદમાં બે જ વર્ગોં દેખાય છે !

ગૌતમે ફૂલ પાછું ફેંકયું અને કૂતરો આવી કરડે તે પહેલાં તેણે પ્રિન્સિપાલ સાહેબનો દરવાજો ઓળંગ્યો.

પરંતુ પ્રિન્સિપાલ સાહેબની કાર પાછી કેમ આવતી હતી ?

અંદર બેસનારનાં મુખ ઉપર ગભરાટ હતો ? કે ગૌતમનો એ ભ્રમ?

ગૌતમ આગળ ગયો. કોઈ દોડતા આવતા માણસે કહ્યું :

‘ભાગી જા ભાગી જા ! શહેરમાં ભારે હુલ્લડ મચ્યું છે !’

હુલ્લડ થાય એટલે ભાગવું એ ગુજરાતનો પરમ ધર્મ છે !

ક્રિકેટ મૅચમાં ગૌતમને એ ધર્મપાલનનો સાચો અનુભવ થયો હતો. તેણે હૃદયને મજબૂત બનાવ્યું - અલબત્ત, પહેલો વિચાર તો તેને પણ એ જ આવ્યો કે ટૂંકે રસ્તે હોસ્ટેલમાં ચાલ્યા જવું.

પિતાએ આપેલા પચીસ રૂપિયા તેના ખિસ્સામાં હતા. હવે કૉલેજમાં તેને સ્થાન ન હતું એટલે હૉસ્ટેલમાં પણ ગૌતમ ન હોય એ સ્વાભાવિક ગણાય. તેનાં પુસ્તકો અને કપડાં ઓરડીમાં જ પડ્યાં હતાં;