પૃષ્ઠ:Chhayanat.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૮૩
 


‘મારા મિત્રોએ પણ કહ્યું ને ?'

'શું કહ્યું?'

‘કે ચારેક દિવસ હું બહારગામ જાઉં પછી આપ મને કૉલેજમાં દાખલ કરશો.'

'I should have considered your case if you were repentent. But now I do not think I should.'[૧]

'પણ કાંઈ કારણ ?’

'I don't Want murderers in my college. You understand? ચલાઓ ?'[૨]

ગાડીનું ભૂગળું વાગ્યું, અને તે હાલી ઊઠી. પોલીસ જેવી હૃદયહીન સત્તાએ તેને છૂટો કર્યો હતો. અને હૃદય ઘડવાને બહાને ઊભી કરાયલી કૉલેજનો સત્તાધીશ હૃદયહીનતાનો નમૂનો બની જૂઠો આરોપ પોતાના જ વિદ્યાર્થીને માથે ઓરાઢતો હતો !

કાર, શોફર, પ્રિન્સિપાલ અને તેમનાં પત્ની એ ચારેનું ખૂન કરવાની ગૌતમને તીવ્ર વૃત્તિ થઈ આવી. નાનાં નાનાં અપમાનો, નાના નાના અન્યાયો, નાની નાની તુમાખીમાં ભયાનક ગુનાઓ ઉપજાવવાની શક્તિ રહેલી છે. માનવશાસ્ત્ર ઉપર ભાષણો આપતા એ કેળવણીકારને ક્યાંથી ખબર હોય કે તે પોતાનાં વર્તન, શબ્દ અને સત્તાપ્રદર્શનથી એક લીલી કુંજાર સરખી જિંદગીને સળગાવી મૂકતો હતો !

માનવ જગતમાં આવી જીવતી ચિતાઓ કેટકેટલી સળગતી હશે ?

ગાડી પાછળ દોડવાનું ગૌતમને મન થયું ! ગાડીને ઊંચકી પછાડવાનું તેને મન થયું ! બંગલાને સળગાવી દેવાની પણ તેને ઈચ્છા થઈ આવી!

પરંતુ એ અશક્તનો રોષ હતો ! પોતાની જાત સિવાય તે કોઈનેય બાળે કે પછાડે એ અસંભવિત હતું ! કાર તો ક્યારનીયે તેની નજર આગળથી ચાલી ગઈ હતી.

ગૌતમનું માનસ શૂન્ય બની ગયું. તેણે અત્યારે ક્યાં જવું ? એકબે રાત હોસ્ટેલમાં જૂનાં ઓળખાણને જોરે છુપાઈને કદાચ રહી શકે. પરંતુ


  1. ++ તમને પશ્ચાત્તાપ થયો જાણ્યો હોત તો તમારી હકીકત હું ધ્યાનમાં લેતા પણ મને લાગે છે કે; હવે હું તેમ કરી શકું એમ નથી.
  2. xx ખૂની માણસો મારી કૉલેજમાં ન ખપે. સમજ્યા ?