પૃષ્ઠ:Chhayanat.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦: છાયાનટ
 

થાય તોપણ તેમનું જીવન તો અખંડિત રહેવું જ જોઈએ ! કારણ તેઓ જીવતા હોય તો તેમના ભસ્મ થયેલા જગત ઉપર તેઓ નવીન જગત નવેસર સર્જી શકે એમ હતું; પરંતુ તેમને કાંઈ થાય તો ?'

નિશાએ બેત્રણ લાકડીઓ પોતાના હાથમાં લઈ શરદને આપી જે એણે આગલી હારમાં ઊભેલા મિત્રો તરફ રવાના કરી.

‘કેમ ? શું તોફાન લાવ્યા છો ?’ ગૌતમે કહ્યું. ગાડીમાં કરેલી સફળ મારામારી તેને યાદ આવી, અને તેનો જુસ્સો વેગવાન બન્યો.

‘અરે કેમવાળા ! મુસલમાનોને સંતાડે છે અને પાછો મિજાજ કરે છે?’ ટોળાના એક આગેવાને કહ્યું. સહુનાં મુખ ઉગ્ર, વ્યગ્ર અને ઘેલછાભર્યાં બની ગયાં હતાં.

‘અહીં કોઈ જ મુસલમાન નથી.' દીનાનાથે કહ્યું.

‘અને હશે તોય તેને સોંપવાનો નથી.' ગૌતમે કહ્યું.

‘કર એને જ પૂરો ! પછી બીજી વાત !’ કહી એક જણે લાઠીનો ફટકો માર્યો. બારણાના ઉપલા ભાગમાં લાઠી વાગી અને બચી ગયેલા ગૌતમે બારણાની બહાર ધસી ધક્કો મારી લાઠીધારીને ઓટલેથી નીચે ફેંક્યો. બીજી લાઠીઓ ઊછળી, પરંતુ સાંકડું બારણું ઉપયોગી નીવડ્યું અને દીનાનાથે પોતાના કસરતી દેહનો ઉપયોગ કરી બેત્રણ જણને ઓટલેથી નીચે ગબડાવી પાડ્યા. અરવિંદ અને રહીમ પણ પોતાની લાકડીઓનો ઉપયોગ કરી ટોળા ઉપર તૂટી પડ્યા.

આખું ટોળું ઓટલા નીચે ઊતરી ગયું. સામનો થતાં રાક્ષસો પણ ડરે છે. અને ટોળામાં ભેગા થયેલા માનવીઓમાં ઝનૂન અને ઘેલછા સિવાય બીજું કશું બળ કે બીજી આવડત ન હતાં.

‘હવે ઘર બાળ્યા વગર છૂટકો નથી. લાવો કાકડા !’ ટોળામાંથી કોઈએ કહ્યું.

ટોળામાંથી ગમે તેમ પથ્થરો પણ આવવા લાગ્યા. સહુને થોડા વધતા વાગ્યા અને ઓટલા ઉપર મૂકેલાં ફૂલનાં કુંડાં મિત્રોએ ટોળા ઉપર વેગથી ફેંકવા માંડ્યા.

ટોળું ચકલાં ઊડે એમ વીખરાઈ ગયું. રાત ઘાડી થતી હતી. જરા દૂર કમ્પાઉન્ડની દીવાલને અઢેલીને એક પુષ્ટ પુરુષ ઊભો હતો. તે આછું આછું હસતો હતો. તેની બાજુમાં ત્રણેક માણસો લાઠી લેઈ ઊભા હતા. એમાંથી કોઈએ હજી સુધી ટોળાનાં કાર્યમાં કશો ભાગ લીધો ન હતો.

‘અરે, પેલો ગૌતમ છે, નહિ ?' પુષ્ટ માણસે કહ્યું.