પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪
છેલ્લું પ્રયાણ
 

પરચુરણા:—કાંરીઆ, સુમલીઆ, અવસૂરા, મસૂરા, બૂચડ, સાંખરા, મધૂડા.

પાનાં પાછાં ઊલટે છે, અને ફરીવાર ૧૯૩૯ની સાલના એપ્રિલ મહિનામાં જૂનાગઢ શહેરના પોલીસ–ઉપરી શ્રી છેલભાઈની ડેલીના ચોગાનમાં લઈ આવે છે. ચાર પાંચ તુરી (અંત્યજ ગાયકો)ની મંડળી સામે બેઠો છું. મંડળમાં એક સુંદરી (એ નામનું રગરંગી–વાદ્ય) વાગે છે. બીજાં સહવાદ્યો પણ સૂરતાલ પૂરે છે, અને મંડળી ગાય છે. સોન–હલામણની, મેહ–ઊજળીની, ખીમરા–લોડણની, સૂરના હેમિયાની, રાણક–રા’ખેંગારની દુહાબંધ લાંબી લોકકથાઓ, એમના ગાનયુક્ત વાર્તા–કથનથી આ વાર્તાઓનો અને કલાત્મક ઘાટ વિશેષ સ્પષ્ટ બનતો આવે છે. દેશવટે કાઢવામાં આવેલો હલામણ માતૃભૂમિ ઘૂમલીથી નીકળી જે માર્ગે ચાલ્યો ગયો, તે માર્ગ પરના એક પછી એક પ્રિય સ્થાને ઘડીક બેસી બેસી વતન અને વલ્લભાનું સ્મરણ કરે છે. બાયરનનું ચાઈલ્ડ—હેરોલ્ડ બી. એ. માં ભણ્યો હતો. એ યાત્રીના યાત્રાપથની, તેમજ યાત્રાને સ્થળે સ્થળે એણે કરેલા કાવ્યાભિષેકની કડીઓ તાજી થઈ. લોકકવિતા—બ. ક. ઠાકોરના શબ્દોમાં ‘હીનસંપન્ન છતાં મહાત્મ્યબીજ’—પણ, પોતાની રંક સંપત્તિની પોટકી સાથે જ એ મહાપંથે જ પરવરી છે એ વિચાર સોન-હલામણની ગાથાએ પેદા કર્યો. હલામણ પણ સ્થળનિર્દેશનું પગેરું મૂકતો ગયો છે, તે આ રીતે—