પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૦
છેલ્લું પ્રયાણ
 


નારી નરને પ્રબોધે તેવાં ભજન જેસલ–તોરલ, લાખો –લોયણ, માલ–રૂપાંદે, વગેરેનાં છે. પણ એક સ્ત્રી બીજી સ્ત્રીને જાગ્રત કરે તેવાં ભજનો આ એક ગંગા સતીનાં છે.

ગંગા સતી અને પાનબાઈ એ સાસુ અને પુત્રવધુ હતાં, ને પુત્રનું નામ અજોજી હતું એટલું જાણવા મળે છે. એમ પણ કહેવાય છે, કે ગંગા સતી જાતે કણબી હતાં અને મેરાર સાહેબ નામે (સંત ભાણ, રવિ વગેરે કબીરપંથી ગુર્જર− સંત−મંડળની પરંપરાના ક્ષત્રિય) સંતનાં શિષ્યા હતાં. એમ પણ જાણ્યું છે કે સંત મોરારના શિષ્ય સંધી સંત હોથીનાં એ પ્રેમિકા હતાં. એનાં ઠામઠેકાણાની માહિતી મળતી નથી.

આ ઝૂમખું ચાલીશેક ભજનનું છે. બધાં જ ભજનો પાનબાઈને સંબોધેલાં છે, અને કડીબંધ લાગે છે. એક જ માનવાત્માને પોતાની પાસેનો ગુપત જ્ઞાનખજાનો આપી કરીને કૃતાર્થ બનવાનો આ કિસ્સો છે. આખી દુનિયાને ઉદ્ધારી નાખવાની તમન્ના નથી.

કશી ઉતાવળ કે દોડધામ કર્યા વિના ગંગા સતી પાનબાઈને આ ગુપત વચનરસ ક્રમે ક્રમે પિવાડે છે, અને પછી પોતે પ્રાણ ત્યજે છે, તેવું ભજનમાં સૂચન છે.

એટલી શિખામણ દેને ચિત્ત સકેલ્યું ને
વાળ્યું પદમાસન રે,

મન ને વચનને સ્થિર કરી દીધું ને
ચિત જેનું પ્રસન્ન રે.