પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સજણ ગિયાં ને શેરીયું રહી !
૫૩
 

 લગ્નગીતના મારા સંગ્રહ ‘ચૂંદડી’ ની વાત કહી. પહેલો જ પ્રશ્ન એમણે આ પૂછ્યો : ‘‘ચૂંદડી’ શબ્દની વ્યુત્પત્તિ શું છે ?’ મારી પાસે ઉત્તર નહોતો. કહે કે ‘યુ મસ્ટ નો ધેટ.’ (એ અર્થ મેં સોળ વર્ષ પછી મેળવ્યો ! પ્રશ્ન મન પર રહી ગયો હતો. ગયા ઈતિહાસ-સંમેલન વખતે શ્રી કેશવરામ શાસ્ત્રીજીને પૂછ્યો. એ કહે કે ચંદ્ર પરથી ચૂંદડી, ચંદ્ર પરથી ચંદ્રકળા; — ચંદ્ર જેવી બુટ્ટાળી ભાત હોય છે ને, તે પરથી ચૂંદડી. )

પછી ડૉ. જીવણજીએ, શ્રી ઝવેરીના સારા અભિપ્રાય પર આધાર રાખી મને કહ્યું : ‘અમારી જૂની સંસ્થા જ્ઞાનપ્રસારક મંડળી છે. એનું છ વ્યાખ્યાનોનું વાર્ષિક સત્ર હોય છે. દરેક વ્યાખ્યાન માટે જુદા જુદા વ્યાખ્યાતાને નોતરીએ છીએ. વ્યાખ્યાન દીઠ રૂ. પચીસની રકમ આપીએ છીએ. આ વર્ષનાં છ વ્યાખ્યાન તું ન આપે ?’

આવા પ્રખર વિદ્વાનની સમક્ષ ઊભવાની અશક્તિનું ભાન છતાં, વ્યાખ્યાનો કેમ અપાય તેની ગમ ન હોવા છતાં, કામ કામને જ શીખવશે એવી જ આશાથી સ્વીકારી લીધેલી એ વ્યાખ્યાનશ્રેણીમાં હું પાર ઊતર્યો. વિશેષ યાદ આવે છે છેલ્લા વ્યાખ્યાનની સંધ્યા. રણજિતરામ સુવર્ણચંદ્રકનું પહેલવહેલું સન્માન પામીને મુંબઈ છેલ્લું ભાષણ દેવા ગયો હતો. પોતે કડક હતા, કરડા હતા, સહેલાઈથી પ્રસન્નતા બતાવતા નહિ, શિખાઉ માણસ મલકાઈ છલકાઈ જાય એવી રીતે વર્તતા નહિ. મારો ચંદ્રક હાથમાં લઈ, પંપાળી પંપાળી સર્વ શ્રોતાસમૂહને