પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬
ચિત્રદર્શનો
 

સયાજીરાવ મહારાજના રાજ્યઅમલનો જે એક ઉત્તમ વિદ્યાપચારનો પ્રયત્ન તે તો કલાભવન. ગુજરાતીઓ સાહસિક વ્યાપારીઓ છે ને ગુજરાત વ્યાપારમુલક છે એ જોઈ કવિ દલપતરામે હુન્નરખાનની ચઢાઈ લખી, ને અમદાવાદના પિતામહ તુલ્ય પરમ માગરિક દીર્ઘદર્શી રણછોડભાઈએ વણવાકાંતવાની મિલ કાઢી, ને પરિણામે મુંબઈ, અમદાવાદ હિન્દનાં લિવરપુલ માન્‍ ચેસ્ટર જેવાં થઈ રહ્યાં. ગુર્જરરત્ન પ્રો. ગજ્જરે પણ પ્રજાજીવનની એ દિશા જોઈ, અને મહારાજ સન્મુખ હુન્નરકલાની વિકાસયોજના ઘડીને મૂકી. ચકોર મહારાજે એ યોજના મંજૂર કરી, વિશ્વકર્માની એ શાળામાં વિશ્વકર્માના પુત્ર પ્રો. ગજ્જરને આચાર્ય નીમ્યા, ને કલાભવન ઉઘડ્યું. એ પ્રિન્સીપાલ સાથે સાક્ષરરત્ન મણિશંકર વાઈસ-પ્રિન્સીપાલ તરીકે જોડાતાં હુન્નરઉદ્યોગોમાં અને સૂતાર, લુવાર, રંગારી જેવા કારીગરોમાં યે સાક્ષરતા જાગી, જ્ઞાનમંજૂષાની માલા શરૂ થઈ, રસરંગરહસ્ય નામનું સચિત્ર સુકલાવન્તું માસિક નીકળવા માંડ્યું, હુન્નરવિદ્યાકલાની પરિભાષા ઘડાવા માંડી, ને હિન્દી, ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી એમ છ ભાષાઓનો અનેકભાષાકોષ રચાયો. મિલોને વર્તમાન રંગાટ કામના રંગારા મળ્યા, સુતારોને વર્તમાન કલાશિક્ષિત કામ કરનારા મળ્યા, ને ગુજરાતના કારીગરોમાં થયું કે કારીગરીનો ને દેશનાં હુન્નરકલાના પુનરુદ્ધારનો યુગ આવી પહોંચ્યો છે. કલાભવનનાં પહેલાં દશ વર્ષની કથા મહારાજ સયાજીરાવના રાજ્યઇતિહાસનું અને પ્રો. ગજ્જરના જીવનઇતિહાસમાંનું સોનેરી પ્રકરણ છે.