પૃષ્ઠ:Chundadi.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે



ગણેશ દુંદાળા


હિન્દુ દેવમંડળમાં ગણપતિ કલ્યાણના અધિષ્ઠાતા છે; ભોળા અને ભદ્રિક છે. પેટનો ફાંદો મોટો, આહાર જબરો અને સૂંઢાળું હાથીનું માથું હોવાથી કૃષ્ણની જાનમાં એને બદસિકલ સમજી સાથે નહિ લીધા હોય. રસ્તે જાનને વાવાઝોડાં ને વરસાદનાં તોફાનો નડ્યાં ત્યારે ગણપતિને સહાયે લેવા પડ્યા. ત્યારથી હંમેશાં હરએક શુભ ક્રિયાનો આરંભ ગણેશની સ્થાપનાથી કરાય છે.


પરથમ ગણેશ બેસાડો રે
મારા ગણેશ દુંદાળા
ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા
ગણેશજી વરદાન દેજો રે
મારા ગણેશ દુંદાળા

કૃષ્ણની જાને રૂડા ઘોડલા શણગારો
ઘોડલે પિત્તળિયાં પલાણ રે
મારા ગણેશ દુંદાળા

કૃષ્ણની જાને રૂડા હાથીડા શણગારો
હાથીડે લાલ અંબાડી રે
મારા ગણેશ દુંદાળા

કૃષ્ણની જાને રૂડા જાનીડા શણગારો
જાનડી લાલ ગુલાલ રે
મારા ગણેશ દુંદાળા