પૃષ્ઠ:Dadajini Vato.djvu/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'સમુદ્ર ઉલ્લંઘન મહાપાપ'ની પંડિત-સત્તા હજુ પહોંચી નહીં હોય. મનુષ્યો સાહસિકતાની છલાંગો ભરતાં હશે.

એટલા પ્રાચીન સમયથી ચાલી આવતી, અને શાસ્રજ્ઞાઓના વિધ-નિષેધોથી મુક્ત જીવનનું પ્રતિબિમ્બ પાડતી આ વાર્તાઓ, માતાઓએ કહી ને પુત્રીઓએ સાંભળી, વૃદ્ધોએ કહી ને યુવાનોએ સાંભળી. કોઈએ કશો યે સંકોચ નથી અનુભવ્યો. હંસારાજા ફૂલસોદાગરને વૈશાખી પૂર્ણિમાએ એની સ્ત્રી પાસે એક પહોર રાત્રી ગાળવા લઇ ગયો, કે ફૂલવંતીનું હૈયું ઉત્તર દિશામાં ઊઘડતાં જ એનાં થાનેલાંમાંથી દૂધની ધારા વછૂટી, કે રાજા-રાણીની છેલ્લી ઘાત વેળાની જે શયન-ગૃહની ઘટના બની, એવી એવી વાતોમાં લોક-નારીઓએ કૃત્રિમ લજ્જા નથી બતાવી. એનાથી આપણી માતા-બહેનો ભડકીને ભાગેલી નથી. કેમકે એ પ્રસંગો કાં તો માતૃત્વના છે, છે કાં નિર્દોષ દામ્પત્યના છે. અને શૃંગારના હોય તોપણ એ શૃંગાર જીવનના સાચા સ્વાભાવિક અંશરૂપ હતા.


વાનગી

કલ્પનાને રમાડતી, બલિદાનને પ્રબોધતી, સાહસ, શૌર્ય ને શિયળના લોક-આદર્શો ઊભા કરતી, અને કલાવિધાનથી વિભૂષિત આવી રૂપકથાઓનો મોટો ખજાનો આપણા સૌરાષ્ટ્રના કોઇકોઇ વૃધ્ધ દાદાજીઓની સ્મૃતિઓનાં ખંડેરો નીચે દટાયેલો પડ્યો છે. કૈં કૈં નવી નવી ઘટનાઓનાં એમાં ગૂંથણકામ છે. એનો લોપ થઇ જવાને હવે ઝાઝી વાર નથી. એના ઊંડાણમાં આપણો વાચક-વર્ગ કેટલો ઉતરી શકે છે તે માપવા આટલા નમૂનાઓ આજે રજૂ થાય છે. આપણા કંઠસ્થ સાહિત્યમાં આ સહુથી પહેલો પ્રયાસ છે. વિક્રમ રાજાની વાતો પણ સોરઠી શૈલીમાં ને સોરઠી ભાવોમાં રંગાઇને બીજે બહાર નથી પડી.


બંગાળી રૂપકથાઓ

બીજા પ્રાંતો પૈકી બંગાળાએ તો પોતાની રૂપ-કથાઓને સાંગોપાંગ હાથ કરી લીધી છે. એ કથાઓનાં નિરનિરાળાં પાઠાન્તરોના કંઇ નહિ તો દસેક સંગ્રહો ત્યાં બહાર પડી ગયા છે. અને 'દાદાજીની વાતો' માફક, અસલી દાદાશૈલીને આબાદ સ્વરૂપે રજૂ કરનારો સંગ્રહ 'ઠાકુરદાર્ ઝુલી' નામનો ગણાય છે.

આટલું જ બસ નથી. આ રૂપકથાઓનું સાચું મૂલ્ય તો બંગાળાએ સંશોધનશાસ્ત્રની દુનિયામાં મૂલવ્યું છે. કલકત્તા યુનિવર્સિટીએ રાય બહાદુર દિનેશચંદ્ર સેનને 'ડૉક્ટર ઑફ લિટરેચર'ની પદવી એનાયત કરીને, 'રામમરતન લાહિરી ફેલો' તરીકે બંગાળાનું લોક્સાહિત્ય વિવેચવા માટે નિયુક્ત કરેલા છે. એ વિદ્વાને આ રૂપકથાઓ ઉપર રસની, સાહિત્યની, જીવનની અને પુરાતત્ત્વની દ્રષ્ટિએ જે તલસ્પર્શી વ્યાખ્યાનો અનુસ્નાતક વર્ગની આપેલાં હતાં, તે વ્યાખ્યાનો 'ધ ફૉક લિટરેચર ઑફ બેંગાલ' નામના પુસ્તકરૂપે કલકત્તા યુનિવર્સિટીએ પ્રગટ કરેલાં છે.