પૃષ્ઠ:Dadajini Vato.djvu/૧૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧.
મનસાગરો


સોરઠમાં પાંચાળ દેશ, એની કંકુવરણી ધરતી, એમાં ચોટીલો ડુંગર, અને એ ડુંગરના ધરામાં મોરસર નામે ગામ : એ ગામમાં મગરપ્રતાપ રાજા રાજ કરે. રાજાની અવસ્થા વરસ પચીસેકની હશે. જેવાં એનાં રૂપ, એવાં જ એનાં ડહાપણ. રાજાએ જાલંધરના જેવી દોમદોમ સાયબી જમાવેલી.

ઈંદ્રાપરી જેવું રાજ, પણ એક જ વાતની ઊણપ રહી ગઈ છે : નગરને બાગબગીચો ન મળે. દિવસ આખો ઝાડવાં વાવે, ત્યાં રાતે માંડવના ડુંગરમાંથી સૂવરનાં ડાર આવે અને દાતરડીથી ઝાડવેઝાડવાંનો સોથ કાઢી નાખે. સાંઢસર અને સીંઢસર તળાવની પાળે આ સૂવરડાંનો રહેવાસ હતો.

રોજ સવારે માળી જઈને પોકાર કરે કે "ફરિયાદ! મોટા રાજા, ફરિયાદ! નંદનવન જેવી ફૂલવાડીને સૂવરડો વીંખી જાય છે.”

રાજાએ કહ્યું કે, “માળી, હવે સૂવરડાં આવે ત્યારે અમને જાણ કરજે.”

પૂનમનો દિવસ છે. સોળે કળાનો ચંદ્રમા આભમાં ચડ્યો છે. અજવાળાં ઝોકાર છે. ત્યાં તો સૂવર-સૂવરડી આવી પહોંચ્યાં. આવીને એણે તો નવી રોપેલી ફૂલવાડી ભાળી.

સૂવરડી બોલી: "અરે હે ભોળા ભરથાર! આ કોઈ રાજાની વાડી છે હો! સવારે તારા સગડ લઈને બારસે બંદૂકદાર તારી વાંસે ચઢશે હો!”

સૂવર બોલ્યો: "હે અબળા! તું તારે તારું ડાર કડ્યે વીંટીને ડુંગરામાં હાલી જા. હું તો ઝાડવાં ઉખેડ્યે જ રહીશ.”

એમ કહીને હૂક! હૂક! હૂક! કરતો સૂવરડો ઊપડ્યો ફૂલવાડીમાં અને દાતરડી ભરાવીને ઝાડવાંનો ડાળોવાટો કાઢવા મંડ્યો. સૂવરડી બચળાંને રાતુડી ધારમાં સંઘરીને આવીને ઊભી ઊભી ચોકી કરી રહી છે.

માળીએ જઈને 'ફરિયાદ! ફરિયાદ! ફરિયાદ!' એવા પોકાર કર્યા. રાજાને જાણ થઈ. રાજાજી બોલ્યા: "આંહીં સાત વીસું રજપૂત બેઠા છો, પણ જો આજ સૂવરડો હાથમાંથી જાશે તો તોપને મોઢે બાંધીશ.”