પૃષ્ઠ:Dadajini Vato.djvu/૧૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સાત વીસું રજપૂતોએ ઘોડે ચડીને સૂવરને માથે વહેતાં કર્યાં. સાત વીસું બંદૂકના ચંભા છૂટ્યા. સૂવરને માથે ગલોલીઓના મે વરસવા મંડ્યા. પણ સૂવર તો ગલોલીનો ઘા ખાઈને તરત પડખેના ખાબોચિયામાં પડે છે એટલે પલકમાં પાછો ઘા મળી જાય છે.

ગલોલીઓની બહુ ભીંસ થઈ એટલે સૂવર ઝાળના ઢૂવામાં પેસી ગયો. ત્યારે સૂવરડી બોલી કે -

સૂવરડો સૂતો ઝાળમાં, ભૂંડણ આંટા ખાય,
ઊઠ હે કંથ નિંદ્રવા, તારાં ઘર ઘોડે ભેળાય.

મેણાનો માર્યો સૂવર ઊઠ્યો ને બોલ્યો કે "જોઈ લેજે હો કે રાંડ, હમણાં તીતી ભીતી કરી નાખું છું.”

હૂક! હૂક! હૂક! એવા હુકાર કરતો સૂવર દાતરડી કાઢીને નીકળ્યો. ગલોલીના મારને ગણકાર્યો નહિ. સાત વીસું ને એક ઘોડાં ઘેરીને ઊભાં હતાં તેમાંથી કોને મારવો એવો અણે વિચાર કર્યો: 'અરે, ઘેંસનાં હાંડલાં તે કોણ ફોડે!' એમ બોલીને એણે દોટ કાઢી. સાતે વીસુંને કોરે મૂકીને એણે તો રાજાના ઘોડાને હડફેટમાં લીધો. રાજાના ઘોડાના બે પગને દાતરડી લગાડીને એ તો કૂંડાળામાંથી નીકળી ગયો. તે સ ડ ડ ડ ડ કરતો ડુંગરામાં ગેબ થયો.

રાજા કહે: "મનસાગરા, તારી પાસેથી ગયો."

મનસાગરો મોઢું મલકાવીને બોલ્યો: "વાહ રે રાજા, પ્રથમ પહેલાં તમારા ઘોડાના ડાબલા તો સંભાળો!"

રાજાએ ઘોડાના પગમાં જોયું તો ધધાખ ધધાખ ધધાખ લોહીની ધાર હાલી જાય છે! એણે બીજો ઘોડો રાંગમાં લીધો અને બોલ્યો: "રજપૂતો, તમે સહુ સહુને ઘરે જાઓ. હું સૂવરને મારીને જ આ નગરીનું પાણી પીવાનો."

એમ કહીને રાજાએ સૂવરને સગડે સગડે ઘોડો લાંબો કર્યો. ડુંગરના ગાળામાં તડબડ તડબડ તડબડ પાણીપંથો ઘોડો તીર વેગે ગયો. જોતજોતામાં તો રાજાએ સૂવરને ઝપાટામાં લીધો. પણ તરવારનો ઘા કરે ત્યાં તો સૂવર તીરને વેગે નીકળી જાય અને તીર છોડે ત્યાં સૂવર તરવારને વેગે છટકી જાય.

એમ આખો દિવસ આથડીને રાજાએ સૂવરને થકવ્યો. સાંજ નમવા મંડી. સૂરજ મહારાજ મેર બેસે છે. રૂઝ્યું કુંઝ્યું વળી રહી છે. અને હાં કે હમણાં જ સૂવરડો હાથથી જાશે ત્યાં તો 'જે મોરલીધર' કહીને રાજાએ કાન સુધી કમાનની પણછ ખેંચી. તીર છૂટ્યું અને પાડા જેવડો સૂવર ભફ કરતો ધરતી ઉપર જ‌ઈ પડ્યો.

સૂરજ મહારાજ મેર બેસી ગયા. ચંદ્રમાનાં કિરણ મંડ્યાં છૂટવા. સામે જુએ ત્યાં

અખંડનેત્રા ઝાડી!
ડુંગરે ડુંગરાની મૂછું મળી છે.