પૃષ્ઠ:Dadajini Vato.djvu/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રાજાને થયું કે 'હાં! હરામી રાણીને રીઝવતો લાગે છે!”

રાણીએ બત્રીસ જાતનાં ભોજન અને તેત્રીસ જાતનાં શાક બનાવ્યાં. રાજા જમવા બેઠા. માનસરોવરનો હંસલો મોતી ચરે એમ રાજાએ અનાજના ત્રણ ત્રણ નવાલા લીધા. સામસામા કોળિયા દેતાં રાજારાણી રંગે ચંગે જમી ઊઠ્યાં. રાતનો પહોર સોનાને સોગઠે અને હીરાજડિત ચોપાટ ખેલ્યાં. ફૂલડાંની સેજમાં પોઢી ગયાં. મુસાફરીના થાકથી મીઠી નીંદર આવી ગઈ.

બિલોરી કાચમાં ચૂવાના તેલના દીવડા બળે છે. દીવા જાણે કે રાજારાણીના ગુલાબી મોં ઉપર મીટ માંડી માંડીને હસી રહ્યા છે.

દેવડીની ઝાલરમાં બરાબર બારના ડંકા પડ્યા અને પહેરેગીરે 'ખેરિયાત' પોકારી. એ વખતે રાજમહેલની પાછળ આવીને મનસાગરો ઊભો રહ્યો. એના હાથમાં ચંદનઘો હતી. એણે દીવાલ ઉપર ચંદનઘોનો ઘા કર્યો. મહેલની દીવાલે ચંદનઘો એવી તો ચોંટી ગઈ કે જાણે લોઢાનો ખીલો માર્યો હોય ને! પછી ચંદનઘોને જે દોરી બાંધી હતી તે ઝાલીને મનસાગરો ઉપર ચડ્યો. પાછલી દીવાલેથી રાજાજીનાં ઓરડામાં દાખલ થયો. હાથમાં ઉઘાડી તરવાર છે. અંગ ઉપર અંધારપછેડો ઓઢેલો છે. લપાઈને ઓરડાના ખૂણામાં સંતાઈ રહ્યો. એની નજર ઊંચે છાપરા પર ચોંટી છે.

ત્યાં તો ફૂં ફૂં ફૂં ફૂંકારા સંભળાણા. કાળી નાગણી આડસર ઉપરથી નીકળી. ટપક! ટપક! ટપક! ઝેરનાં ત્રણ ટીપાં નાગણીની ફેણમાંથી ટપક્યાં. બરાબર રાણીના ગાલ ઉપર લી...લું કાચ ઝેર ટપકી પડ્યું.

અંધારપછેડાવાળો મનસાગરો હળવાં હળવાં પગલાં ભરતો ભરતો પલંગ પાસે આવ્યો. ઓશીકે ઊભા રહીને એણે ડોકું નમાવ્યું; નમાવ્યું, નમાવ્યું, નમાવ્યું, તે ઠેઠ રાણીના ગાલ ઉપર હોઠ અડ્યા. લબરકો લ‌ઈને ઝેરનાં લીલાં ટીપાં એણે ચાટી લીધાં. પાણીની ઝારીમાંથી કોગળો કર્યો. ત્યાં તો 'વોય!' કરતી રાણી જાગી.

"કોણ છે!" કરતો રાજા ઝબક્યો.

"કોઈક ચોર! કોઈકે મારે ગાલે ચૂમી ભરી!" રાણી થરથરતી બોલી. એનો સાદ ફાટી ગયો.

"ઊભો રે પાપિયા!" કહેતા રાજાએ છલાંગ મારી. જુએ ત્યાં તો મનસાગરો! હાથ જોડીને ગરીબ ગાય જેવો ઊભો છે.

"પાપિયા!" રાજાએ ત્રાડ દીધી. "એટલા માટે આ બધી રમતો કરતો હતો? મારી રાણી ઉપર તારી કૂડી નજર!"

રાજાએ તો ખડગ ખેંચ્યું. રાણી થડક થ‌ઈ ગ‌ઈ. મનસાગરે માથું નમાવ્યું. બોલ્યો: "મહારાજ! જોજો હો, વાંસેથી વિમાસણ ન થાય."

"તો બોલ, આ કારસ્તાન સમજાવ!"