પૃષ્ઠ:Dadajini Vato.djvu/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"મનસાગરા! ભાઈ, મનસાગરા! એક હોંકારો તો દે?" એવું બોલતો રાજા પથરાને ગળે બાઝી પડ્યો.

એ ઓરડામાંથી રાજાએ પોતાની પથારી ફેરવી નાખી છે. ત્યાં મનસાગરાનું મંદિર બનાવ્યું છે. સાંજ-સવાર ત્યાં ધૂપ દીવા થાય છે, સિંદોર ચડે છે, ફૂલ ચડે છે, નિવેદ ધરાય છે. કોઈ વાર રાજા મૂંઝાય છે ત્યારે મનસાગરાના પૂતળાને ગળે બાઝીને ચોધાર આંસુડે રોઈ આવે છે.

એમ કરતાં રાણી પદમાવંતીને નવમે મહિને સોળે કળાના ચંદ્રમા જેવો દીકરો અવતર્યો. દીકરાને મનસાગરાના ચરણમાં પગે લગાડ્યો. પણ દીકરાનું લોહી છાંટવાની છાતી હાલી નહિ. એમ કરતાં કરતાં વાત વીસરાઈ ગ‌ઈ.

દીકરો મોટો થયો. રમવા જાવું ગમે નહિ. આવીને મનસાગરાના ઓરડામાં બેસે. બેઠો બેઠો રમે.

એકવાર કુંવર શેરડી ખાય છે. ખાતાં ખાતાં ટચલી આંગળીએ છોતો વાગ્યો. લોહીનાં ટીપાં દડ દડ દડ દડી પડ્યાં. જ્યાં કુંવર મનસાગરાના પૂતળા ઉપર લોહી લૂછવા જાય, ત્યાં તો ઓહો! આ શું? પથરો જીવતો થયો! મનસાગરે કુંવરને તેડીને બથમાં લીધો. બચી કરવા મંડ્યો. બેય જણાની વાતો ચાલી.

અરે! આ બે માનવી વાતો કોણ કરે છે? રાણીજી દોડ્યા આવ્યાં.

"માડી રે! ભૂત! ભૂત! ભૂત!"

"બહેન! હું ભૂત નથી. બીશો નહિ! હું મનસાગરો.... કુંવરનું લોહી અડવાથી સજીવન થયો છું."

રાજાજી દોડ્યા. "મારો મનસાગરો! મારો ભાઈ! મારો બાપ!" બોલી બાઝી પડ્યા. બેય ભાઈબંધોને હેતનાં ને પસ્તાવાનાં આંસુડાં આવ્યાં.

નગરીમાં તે દિવસે ધામધૂમ જામી, ઘેરે ઘેરે લાપસીનાં આંધણ મુકાણાં.