પૃષ્ઠ:Dadajini Vato.djvu/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૪.
વીરોજી


ક દિવસને સમે રાજા વિક્રમ દરબાર ભરીને બેઠા છે. કચેરી હેકડાઠાઠ જામી છે. ગજ-ગાહરના ચામર ઢળી રહ્યા છે. પાતળી જીભોવાળા કવિઓ છંદો લલકારે છે. શરણાઈઓ ચોઘડિયાં ગાય છે. મલ ગડદે આવી રહ્યા છે. અરણા પાડા આટકે છે. એક બીજાને કંધુર ન નમાવે એવા, અવળી રોમરાઈવાળા, ગરેડી જેવાં કાંધવાળા, શાદુળા સાંઅંતો-પટાવતો વીરાસન વાળીને બેઠા છે. મોઢા આગળ માનિયા વાઢાળાની સજેલી હેમની મૂઠવાળી તલવારો અને હેમના કૂબાવાળી ગેંડાની ઢાલો પડી છે. ખભે હેમની હમેલ્યો પડી છે.

એવે સમયે આથમણી દશ્યેથી ’વિયાઉં ! વિયાઉં ! વિયાઉં !’ એવી શિયાળયાંની લાળ્ય સંભળાણી.

પોતાને જમણે પડખે કાળિદાસ પંડિત બેઠા હતા. એમને રાજાએ કહ્યું કે "અરે હે કાળિદાસ પંડિત ! તમે તો થઈ થવી અને થાશે એવી ત્રણે કાળની વાતો જાણનારા છો. બોલો, આ જાનવરની વાણીનો ભેદ બતાવો."

માથાના મોળિયામાં ટીપણું ખોસેલું હતું તે કાઢીને કાળિદાસ પંડિતે કચેરીમાં રોડવ્યું. આખું ફીંડલું ઊખળી પડ્યું. અને ટીંપણાનો છેડો કચેરીના કમાડ સુધી પહોંચી ગયો. રાજાજી જુએ છે તો ટીપણામાંથી ત્રણ ચીજ નીકળી પડી : એક કોદાળી, એક નિસરણી, એક જાળ.

સડક થઈને રાજા વિક્રમ બોલી ઊઠ્યા : "અરરર ! કાળિદાસ પંડિત ! બામણના દિકરા થઈને ટીપણામાં જાળ રાખો છો ! શું માછલાં મારો છો !"

"ના મહારાજ !" કાળિદાસ પંડિત બોલ્યા : "એનો મરમ ઊંડો છે. હું તો રાજા વિક્રમનો જોષી ! હું જો કોઇ દી કહું કે ’અટાણે મૂરત નથી’ તો તે વિક્રમની સભાનું મારું બેસણું લાજે. મૂરત ધરતીમાં સંતાઈ ગયાં હોય તો હું આ કોદાળીએ ખોદીને કાઢું, આભમાં ઊડી જાય તો નિસરણી માંડીને નવલખ ચાંદરડાંમાંથી ઉતારું; અને પાણીમાં પેઠાં હોય તો આ જાળ નાખીને ઝાલું. સમજ્યા મહારાજ ?"