લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dadajini Vato.djvu/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લોકસાહિત્યની નવી દુનિયા


[પ્રવેશક]

લિ રાજાને ઘરે તે દિવસે પ્રભુ વામનરૂપે પધાર્યા અને ત્રણ ડગલાંમાં એ વિરાટે આકાશ, ધરતી અને પાતાળ માપી લીધાં.

માનવીને આંગણે પણ એ જ વિરાટ શક્તિ રોજ રોજ આવીને ઊભી રહે છે : કરોડો વામનોને વેશે : સવા વેંતનાં શિશુઓને રૂપે.

પરંતુ આ સૃષ્ટિ આ વિરાટોને સાંકડી પડે છે. એના મનોરથો આ મૃત્યુલોકની શેરીમાં સમાતા નથી, એના તરંગો આકાશ-પાતળનો બાથ ભરવા મથે છે. એનાં માવતરોને મૂંઝવણનો પાર નથી રહ્યો.


રૂપકકથાઓ

દેશ દેશમાં દાદાઓએ અને દાદીઓએ આ દુઃખ એક જ સરખું અનુભવ્યું. એટલે એમણે પોતાનાં બચ્ચાંઓ માટે નવી નવી, નિત્યનવપલ્લવિત સૃષ્ટિઓ સરજી. એ સૃષ્ટિમાં સંતાનોને રમતાં મેલી દીધાં. મોટેરાંઓ, દુનિયાદારીનાં ડહાપણદારો, નક્કર સત્યોની સાથે જ રમનારાઓ પણ આ સૃષ્ટિમાં લોભાયા અને તેઓએ પણ રોજરોજ રાત્રીએ, દુનિયાદારીમાં ચોળાયેલા સાજ ઉતારી નાખી, કલ્પનાના વાઘા સજી, બાલકોચિત બેવકૂફી ધારણ કરી, આ અનંત ખંડોવાળી દુનિયાની અંદર બાલવિહાર માણ્યો. એ દુનિયા તે આ રૂપકકથાઓની કે પરીકથાઓની.

અને ત્યાં શું શું જોયું?

આભમાં ઊડતા આવતા રથો અને પાંખોવાળા ઘોડા : બાર બાર ગાઉમાં ઝેર પ્રસારે એવા ફણીધરો : વાવકૂવાના ઠંડા નીરમાંથી નીકળતી અગ્નિજ્વાળાઓ : માનવીની ભવિષ્યવાણી ભાખતાં ગરૂડ-પંખીના કે હંસ-હંસલીનાં જોડલાં : હીરાજડિત વીંટીમાથી ખડા થતા સર્પો : સામસામા અથડાતા જીવભક્ષી ડુંગરાઓ : આપોઆપ પડી જતી દરવાજાની કમાનો : ગુપ્ત વાત કરતાં પથ્થર બની જતી માનવ-કાયાઓ : ભૂતકાળની વાર્તાઓ ભાખતી કાષ્ઠની પૂતળીઓ : અધરાતે છઠ્ઠીના લેખ લખવા આવતી વિધાતાદેવી અને ચોરીના માટલા ઉપરના ચિત્રામણ-માંથી સજીવન બનતા સિંહો : સાત કોટડી માયાવાળા રાફડા ઉપર બેસીને