પૃષ્ઠ:Dadajini Vato.djvu/૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

માનવીની ભાષામાં વાતો કરતા, માનવસ્વરૂપો ધરતા સર્પો અને વાવનાં બિલોરી નીરમાં મૃત્યુલોકની રમણીઓની પેઠે જ વિલાપ કરતી ઊભેલી નાગપત્નીઓ : સાગરને તળિયેથી ડૂબેલા વહાણને બહાર કાઢનાર દરિયાપીર અને મરેલા ભક્તોને જીવતાં કરનાર દેવી કાળકા : દરિયાને તળિયે બેસીને ઈંડાં સેવતાં દેવાંશી હંસ-પક્ષીઓઃ સર્પોની વિષફૂંકે સળગતી અને અમૃત-ફૂંકે લીલીછમ બની જતી વનસ્પતિઓ : અને મરેલી કાયાના કટકા પર અંજલિ છાંટતાં જ સજીવન કરે તેવા અમીના કૂંપા.


વિશ્રામસૃષ્ટિ

આવા આવા ચમત્કારોથી ભરપૂર એ બાલ-દુનિયા કોને લોભામણી નહિ લાગી હોય? સત્ય જગતને ખેડતાં ખેડતાં કલ્પના-જગતમાંથી પ્રાણબળ મેળવવું એ તો માનવની પ્રકૃતિ છે, માનવજીવનનો વિસામો છે. દુકાને ત્રાજવાં તોળનારો, દુકાનીભાર પણ નમતું ન દેનારો, અધરાતના દીવા બાળીને પણ પાઈ યે પાઈનો હિસાબ માંડનારો, લાગણી કે ઊર્મિને પોતાના જાગૃત જીવનમાં જરાયે સ્થાન ન આપનારો હાડચામડીનો બનેલો મનુષ્ય પણ ઘડિયાળના કાંટા જેવા પોતાના જીવનક્રમમાંથી વારંવાર કંટાળે છે. આવતી કાલે જ જેની આસામી ધૂળ મળવાની છે એવો મૂડીદાર આજે કોઇ ઇશ્વરી અકસ્માતની આશાને નોતરતો હોય છે. આજે જેણે કરોડો ગુમાવી નાખ્યા છે તે આવતી કાલના ગર્ભમાં રહેલી કોઇ માયાવી સમૃદ્ધિના મનોરથો રચે છે. સ્વપ્નમાં એ રૂપિયાની થેલીઓ ઠાલવે છે. તેજુરીઓની ચાવી ખખડાવે છે. મહેલ-મોલાતો ચણે છે. એનેય મનોરથો વિના ન ચાલ્યું. એનેય પોતાનાં આશ્વાસન, આશીર્વાદ અને જગતના રણસંગ્રામમાં ઝૂઝવાનાં જોર કલ્પનામાંથી મેળવવાં પડ્યાં. ત્યારે પછી કુદરતને જ ખોળે રમતાં માયાવિહારી બાળકોનો બીજો શો ઇલાજ?

માનવીની મહત્તા

અને આ કલ્પના-સૃષ્ટિ શું કેવળ બાળકોના વૈભવની ફૂલવાડી સરખી જ છે? બાળકોની નાજુક કુતૂહલવૃત્તિને બે ઘડી નચાવીને જ શું એની ઉપયોગિતા ખતમ થાય? શું આ અસંભવના ભુવનમાં વિચરતાં બાળકો વહેમી, દરિદ્ર, તરંગી અને સ્વપ્નાધીન બની જાય છે? શું દૈવી કે આસુરી અકસ્માતો વાટે વહી જતી આ કલ્પનાની જિંદગી જોઇ જોઇને બાળક્ની દ્રષ્ટિ દૈવાધીન, પ્રારબ્ધાધીન બની જાય છે? નહિ, એક મત એવો પણ છે કે બાળકોની દ્રષ્ટિ તો એ બધી મંત્રમાયાની ઉપર મંડાય છે. એ કુદરતી તેમ જ આસુરી સંકટોની વચ્ચે પોતાની અક્કલ યા ભુજા વાપરીને માર્ગ કાપતાં બહાદુર મનુષ્યો જ બાળકોની આદર્શમૂર્તિઓ બને છે. આ કથા-પ્રસંગોનાં ઘોર જંગલ-ઝાડીઓ વચ્ચે માનવ-શૌર્યના ચમકારા થાય છે. માર્ગ ભૂલીને અઘોર વનમાં મૂર્છાવશ રાજાને જોઇ કે અગ્નિના ભડકા ફૂંકતા નાગને જોઇ અંતરમાં ભયનો થડકારો અનુભવનારો બાળક, બીજી