પૃષ્ઠ:Dadajini Vato.djvu/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"બસ, બેટા! ઓતરાખંડમાં તારો પુતર જડશે. ચાલી જા."

"કેમ કરીને ચાલું, માડી?"

પદમણીએ સાદ પાડ્યો: "પવન દેવતા!"

હૂ હૂ હૂ! સૂસવાટા સંભળાણા.

"જાવ દેવ! દીકરીને તેડી જાવ!"

સૂસવાટા મારતી ફૂલવંતી ઊપડી. સાડીનો સઢ ફૂલાણો. દરિયાને માથે જાણે નૌકા છૂટી. વાહ રે વાહ!પાણી ઉપર માનવી ચાલ્યું જાય!

મોજાંને માથે અસવારી કરીને અસવારી કરીને છ મહિનાનો પંથ કાપ્યો. અધરાતે એક ઠેકાણે આવી, ત્યાં તો ફરીવાર થાનેલાં છલકાયાં. દૂધના ફુવારા ચઢ્યા. સરોવરને કિનારે ઝાડ હેઠળ બેઠી. એ જ રાજા રાજતેજની રાજનગરી.

પ્રભાત પડે ને કઠિયારણ રાણી સરોવરમાં નહાવા આવે. એમાં આજ રાંડે ફૂલવંતેની ઓળખી. 'દાસીઉં! દોડો દોડો, આ ડાકણને મારો!'

ફૂલવંતીને મારી, ધકેલી, એક ઊંડા ખાડામાં ભંડારી, માથે મોટી શિલા ચાંપી દીધી.

રાજા રાજતેજ ગોઠિયાઓને લઈને સરોવરે નહવા આવે છે. ઓહો! આજે તો કાંઈ નહાયા! કાંઈ નહાયા!

"હાશ! આવી શીતળ કાયા તો કદી યે નહોતી બની. જરાવાર આ શિલા માથે વિસામો ખાઈ લઉં."

શિલાને માથે બેસતાં જ કુંવરના નેણ ઘેરાણાં. પાંપણના પડદા બિડાણા. કદીયે નહોતી આવી એવી નીંદરમાં કુંવર પડ્યો.

પણ આ શિલા નીચે કોણ રુવે છે?

બાર વર્ષે મારો બેટડો મળિયો,
હૈયાનાં ધાવણ હાલ્યાં જાય જો;
પોઢો પોઢો રે પુતર છેલ્લી આ વારના,
માતાનો જીવડો નો રોકાય જો.

પ્રધાનનો પુતર, વજીરનો પુતર, કોટવાળનો પુતર ચકિત થઈને સાંભળે છે. "આ તો બહરી કૌતક, ભાઈ! કાલ્ય સોદાગર આવ્યો, કહે છે કે 'હું કુંવરનો બાપ!" આજ વળી શિલા રુવે છે કે 'હું કુંવરની મા!' ચાલો રાજકુંવરને જગાડો. "

રાજકુંવર જાગ્યો: "મા! મા! માડી!"

"કોને બોલાવો છો, કુંવર?"

"આ શિલાની નીચેથી મને મારી જનેતાનો સાદ સંભળાય છે, ભાઈ આ શિલા ઉખેડો તો!"

પચાસ મણની શિલા! કોનાથી ઊપડે?