પૃષ્ઠ:Dadajini vato - Full version.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જોતી હતી. ત્યાં તો અચાનક અરીસામાં કોઇનું મોઢું દેખાયું. પાછી ફરીને કુંવરી જુએ ત્યાં તો એક પરી ઊભેલી. પરી બોલી: "હીરા, તું બહુ રૂપાળી છો, પણ એટલો મદ રાખ નહિ. એથી તારું સારું નથી થવાનું."

રાજકુંવરી કહે: "મારું રૂપ તારાથી દેખી શકાતું નથી, એટલે જ મારી સાથે વઢવાડ કરવા આવી લાગે છે, ખરું ને?"

પરી કહે: "ના, જેને આટલો બધો અહંકાર હોય, તેનું સારું થાય જ નહિ; માટે હું તો તને ચેતવવા આવી છું, બહેન!" આટલું બોલીને પરી ચાલી ગઇ.

પછી તો હીરાનો મદ ક્યાંય માય નહિ. એના મનમાં એમ થયું કે હું એટલી બધી રૂપાળી કે પરીઓ પણ મારી અદેખાઇ કરે!

હીરાની પાસે ઘેરો વળીને સાત સખીઓ બેસે ને એનાં ખોટેખોટાં વખાણ કરે!

એક જણી કહે: "કુંવરીબાના હોઠ તો અસલ પરવાળા જેવા જ!"

બીજી બોલે: "બાના દાંત તો જાણે અસલ મોતી!"

બધી વાતો સાંભળીને હીરા તો હસ્યા જ કરે.

એકાએક એક સખી બોલી: "અરે આ શું! બાના દાંત સાચેસાચ મોતી જેવા કેમ લાગે છે?"

વાત ખરી હતી. રાજકુંવરીનાં રાતા મોઢાંની અંદર એકે ય દાંત ન મળે. દાંતને બદલે ગોળ ગોળ મોતીની બે હાર ચળક ચળક થાય છે. સખીઓ સમજી ગઇ કે આ કામ પેલી પરીનું હશે. એને મનમાં ફાળ પડી, પણ રાજકુમારીને મોઢે કોઇ બોલ્યું નહિ. હીરા તો બહુ રાજી થઇ. એણે વિચાર્યું કે 'ખાવા પીવામાં લગાર અડચણ તો આવશે, પણ એની કંઇ ફિકર નહિ, મોતીના દાંત તો નસીબદારને જ મળે.'

એક દિવસ સવારે હીરા પથારીમાંથી ઊઠતી નથી. એની