પૃષ્ઠ:Dadajini vato - Full version.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કેવું રૂપાળું પ્રાણી! આ શું કહેવાય?" ભાઈઓ કહે: "એ એક જાતનું પંખી. એનું નામ મયૂર." તરત જ મણિમાળાએ હઠ લીધી કે "આ મયૂર બહુ સુંદર. હું પરણું તો એ મયૂરોના જ રાજાને. બીજા બધા મારા ભાઈ-બાપ!"

એના ભાઈઓ કહે: "અરે બહેન, ગાંડીના જેવી વાતો કાં કરે? માનવી તે વળી પંખીની સાથે પરણે ખરાં? મયૂરોને તે વળી રાજા હોય? અને હોય તો પણ અમે એને ક્યાં ગોતવા જઈએ?" મણિમાળા તો એક જ વાત કહે કે 'પરણું તો એ પંખીના રાજાને જ પરણું."

ભાઈઓએ નક્કી કર્યું કે, ચાલો ત્યારે, મયૂર રાજાને ગોતીએ. બહેનને કહે કે, "બહેન, અમે જાશું મયૂર રાજાને ગોતવા. તું અહીં રહીને રાજપાટ સંભાળજે." પછી એ દેશના એક બહુ જ હુશિયાર ચિતારાની પાસે પોતાની બહેનની છબી ચીતરાવી. છબી એવી તો બની કે જાણે મણિમાળા પોતે જ બેઠી હોય ને! હમણાં જાણે એ આંખનો પલકારો મારશે અને એના હોઠ ફફડશે! છબી લ‌ઈને બન્ને ભાઈઓ મોરને દેશ જવા નીકળ્યા.

પણ ક્યાં આવ્યો હશે એ મોરનો દેશ? કોને ખબર? બેય જણા કેટલાં કેટલાં દેશ ભટક્યા, કેટલા કેટલા પહાડ વળોટી ગયા, કેટલા કેટલા વન વીંધ્યાં. પણ ક્યાંય પત્તો મળે નહિ. બેય ભાઈ રસ્તે ચાલતા વિચાર કરે છે કે મયૂરોનો રાજા નહિ મળે, તો તો આપણી બહેન પરણશે નહિ!

એટલામાં તો ભરર! ભરર! ભરર! એવો અવાજ સંભળાયો. જુએ ત્યાં તો આકાશમાં ટીડડાંનાં ટોળેટોળાં ચાલ્યાં. એ કહે: "ભાઈઓ, આંહીં શું કામ આવ્યા છો?"

મોટો ભાઈ કહે: "મોર પંખીનો દેશ ક્યાં આવ્યો, ભાઈ?" ટીડ કહે: "ચાલો તમને એ દેશમાં લઈ જઈએ. પણ એ તો બહુ જ આઘે છે. તમારાથી પહોંચાશે?"