પૃષ્ઠ:Dadajini vato - Full version.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દિવસ પગ નથી મૂક્યો. ટાઢ-તડકો દેખેલ નથી. આજ આખો દિવસ ચાલી ચાલીને એ થાકી ગયેલી, એટલે ઊંઘ આવી ગઈ. પડખામાં બે બાળકો પણ ધાવતાં ધાવતાં સૂઈ ગયાં.

થોડી વારે રાણી જાગી અને જુએ ત્યાં તો એણે ચીસ પાડી. એણે શું જોયું? એક મોટું રીંછ એના છોકરાને મોઢામાં પકડીને ઉપાડી જાય છે. ચીસો પાડતી પાડતી રાણી રાણી એ રીંછની પાછળ દોડી. દોડતાં દોડતાં કેટલે ય આઘે નીકળી ગઈ.

આ તરફ એવું બન્યું કે એ જ રાણીના બાપનો દેશ નજીક હતો. ત્યાંથી એનો ભાઈ શિકારે નીકળેલો. એ રાજા ત્યાં આવી પહોંચ્યો. ઝાડની નીચે જુએ ત્યાં તો એક સુંદર બાળક સૂતેલું. રાજાને થયું કે ઓહો! આ તો કોઈ દેવાંગનાનો દીકરો લાગે છે. એમ કહીને એ છોકરાને પોતાના દેશ લઈ ગયો.

હવે રાણી તો ખૂબ ભટકી, પણ રીંછ હાથ ન આવ્યું, ત્યાં તો એને સાંભર્યું કે અરેરે! મારું બીજું બાળક એ ઝાડ નીચે પડી રહ્યું છે. વળી ત્યાંથી એ પાછી દોડી, અને આવી એ ઝાડ નીચે; ત્યાં તો બીજું બાળક પણ ન મળે. હાય હાય! મારા બેય છોકરાને ઉપાડી ગયા! એમ કહીને તે ખૂબ રોઈ. એવી જુવાન સુકોમળ રાણીને છાતી ફાટ રોતી સાંભળીને જંગલનાં ઝાડવાં પણ જાણે એની દયા ખાતાં હતાં. પવન પણ થંભી ગયો અને આકાશમાં પૂનમનો ચંદ્રમા એકીટશે એની સામે જોઈ રહ્યો હતો.

નોકર પણ આવી પહોંચ્યો. એણે કહ્યું: "માજી, તમારા ભાઈનો દેશ આંહીંથી આઘે નથી. ચાલો ત્યાં જશું?" રાણીએ કહ્યું: "ભલે." પણ તેના દુઃખનો પાર ન હતો. થોડીવારમાં તો એક લોઢાના દાંતવાળો ને લોઢાના હાથપગવાળો રાક્ષસ આવ્યો. તે નોકરને ગદાથી મારીને રાણીને ઊપાડી ગયો.

હવે આ તરફ રીંછે એ છોકરાને પોતાની બખોલમાં લઈ ગયું. ત્યાં એના બચ્ચાંની પાસે એ બાળકને મૂક્યું. બચ્ચાં ભૂખ્યાં